મહારાજા કૃષ્ણકુમારસિંહજી
ભારતની સ્વતંત્રતાના અમૃતપર્વે આપણું ધ્યાન સહજપણે જ સ્વાતંત્ર્યસંગ્રામના મહાનાયકો અને તેમનાં મહાન જીવનચરિત્રો ભણી મંડાય છે. આ મહાનાયકોએ પોતાના અવિચળ સંકલ્પ, અટલ દેશપ્રેમ અને નિઃસ્પૃહ ત્યાગ વડે ભારતની અસ્મિતાનાં ગૌરવપ્રદ અધ્યાયો લખ્યા છે. કમનસીબે આપણા સ્વાતંત્ર્યસંગ્રામમાં યોગદાન આપનાર પ્રત્યેક મહાન જનનાયકોની ગાથા લખાઈ કે ગવાઈ નથી. આઝાદીજંગમાં પ્રદાન કરનાર કેટલાય મહાનાયકો આજે વિસરાઈ ગયા છે. કદાચ એટલે જ રાષ્ટ્રીય શાયર મેઘાણીએ લખ્યું છે કે,
‘કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની,
સ્મરી લેજો અમોનેય જરી પળ એક નાની !'
સમર્પણમૂર્તિ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી
ભાગ - ૧
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઇતિહાસના અભ્યાસી અને દેશભક્ત હતા. લોકશાહીનાં ઘોડાપૂર આવી રહ્યાં છે. તે તેઓ પિછાની ગયા હતા. એટલે હવે સ્વાતંત્ર્ય મળતાં રાજા રજવાડાંઓ લાંબો સમય ટકી શકે નહીં તેવું તેમને સૂઝી ગયું હતું.
અન્ય દેશભક્ત રાજવીઓ પણ હતા
હિંદને સ્વાતંત્ર્ય આપતાં પહેલાં બ્રિટિશ શાસકોએ તમામ પ્રયાસો કર્યાં કે તે અનેક ભાગલામાં વહેંચાઈ જાય. દેશી રાજ્યો પણ સ્વતંત્ર થાય કે પાકિસ્તાન સાથે ભળે તો હિંદનો નકશો ઊધઈ ખવાયેલા કાગળના ટુકડા જેવો થઈ જાય, દેશ કાયમને માટે નબળો અને મહત્ત્વ વિનાનો બની જાય. અંગ્રેજો અને કાયદેઆજમ ઝીણાની રાજકીય ગતિવિધિઓ આ દિશામાં સક્રિય રીતે ચાલવા લાગી હતી.
ઝીણાસાહેબ અને ભોપાલના નવાબ હમીદુલ્લાહે દેશી રાજ્યોને એવી લાલચો આપી હતી જેથી જોધપુરનરેશ હનવંતસિંહ પાકિસ્તાનમાં ભળવા તૈયાર થયા હતા. ઇન્દોર, જેસલમેર વગેરે રાજ્યોના રાજવીઓ તેમની અસર હેઠળ હતા. ભોપાલના નવાબે તો ભોપાલથી પાકિસ્તાનની સરહદ સુધીનાં રાજ્યોને પાકિસ્તાનમાં ભેળવી દઈ હિંદની છાતી વચ્ચે પાકિસ્તાનની કોરિડોર રચવાની તૈયારીઓ કરી હતી. આ કોરિડોર રચવામાં વચ્ચે ઉદયપુર રાજ્ય આવે તેમણે સમજાવટ કરવાનું બાકી હતું. આ બાબતે જોધપુરનરેશ હનવંતસિંહ ઉદયપુરના મહારાણા ભૂપાલસિંહજી (૧૯૩૧-૧૯૫૫) ને મળવા ગયા. ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ પ્રશ્નનો નિર્ણય તો મારા પૂર્વજોએ કરી દીધેલો છે. એટલે કે વિધર્મી સત્તા સામે અમારી અનેક પેઢી ઝઝૂમી, પણ નમી નથી. તેથી પાકિસ્તાન સાથે ભળવાની વાત હોય ત્યાં ઉદયપુર ન હોય. એટલે મારે આ બાબતે કશું નવું કહેવાનું નથી. અને મારે કશો નવો નિર્ણય કરવાનો રહેતો નથી. આ બાબતની જાણ ઘણા રાજાઓ વગેરેને થઈ ગઈ તે વખતે ભારતના વાઇસરૉય માઉન્ટ બેટનની જગ્યાએ રાજગોપાલાચારી હતા. તેમણે આ વાત સાંભળી એટલે ઉદયપુર મહારાણાને અભિનંદન આપવા માટે પોતાએ રૂબરૂ જવું તેવો નિર્ણય કર્યો અને પોતાના મંત્રીને આ માટે તૈયારી કરવા કહ્યું. તેઓ ખાસ પ્લેનમાં ઉદયપુર ગયા અને મહારાણાને રૂબરૂ મળીને અભિનંદન આપ્યાં.
ઉદયપુર જવાના પ્લેનના પાઇલટ ભાવનગરના હેમંતસિંહજી રવુભા ગોહિલ (સોનગઢ) હતા. હેમંતસિંહજી રાજગોપાલાચારીના વિમાન વિભાગના વડા હતા. તેમણે આવા અગત્યના કામે જવા માટે અન્ય પાઇલટને મોકલવાને બદલે પોતે વિમાન ચલાવીને ગયેલા. અને આ બનાવના સાક્ષી રહેલા.
ભોપાલ યોજના ઉપરાંત કાઠિયાવાડ અને રાજસ્થાનનાં રાજ્યોની જામજૂથ યોજના પણ હતી. જેને ઘણા લોકો દેશવિધાતક પ્રવૃત્તિ તરીકે ઓળખાવતા હતા. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી. સ૨દા૨ની સમજાવટથી તે પ્રશ્ન તો ઉકેલાઈ ગયો. આરઝી હકૂમત દ્વારા જૂનાગઢનું કોકડું પણ ઉકેલાયું. હૈદરાબાદનો સવાલ પછીથી સમાવવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઊભો રહી જ ગયો. આ સમય દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનું દેશી રજવાડું પોતાના પ્રદેશ તરીકે હડપ કરી લેવા માટે લશ્કર નહીં મોકલતાં તોફાની ટોળાં મોકલ્યાં. તેમને વાહનો અને હથિયારોની સગવડ પાકિસ્તાને કરી આપી હતી. એક પછી એક વિસ્તારો પાકિસ્તાન દ્વારા કબજે થવા લાગતાં પોતાનું રાજ્ય સ્વતંત્ર રાખવા ઇચ્છતા જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહે તાત્કાલિક નિર્ણય કર્યો કે પોતાનું રાજ્ય ભારત સાથે ભેળવી દેવાનું વધારે યોગ્ય થશે. એટલે તેમણે ભારત સરકારને આ માટે સંદેશો મોકલ્યો. સરદાર વલ્લભભાઈ પાસે આ સંદેશો આવતાં તેમણે પોતાના ખાતાના સચિવને વિમાન મારફતે જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહજીને રૂબરૂ મળવા માટે મોકલ્યા. હરિસિંહજીએ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવા માટેના ખતપત્રમાં સહી કરી આપી. તે ડૉક્યુમેન્ટ લઈને સચિવ પરત ફર્યા. વલ્લભભાઈએ પૂરી તૈયારી કરી રાખી હતી. લશ્કરના અધિકારીઓને વિગતવાર સૂચનાઓ આપીને તેમણે સાધનસામગ્રીના લશ્કર સાથે કાશ્મીર મોકલ્યા. જ્યાં પાકિસ્તાની વેળાઓ કબજો કરવા આગળ વધી રહ્યાં હતાં ત્યાં ભારતીય લશ્કર કામે લાગી ગયું. કાશ્મીરના પાટનગર શ્રીનગર સુધીફા તોફાનીઓ પહોંચી જાય તેમ હતા તેમને લશ્કરે અટકાવ્યા. આ પ્રયાસો લાંબા સમાય સુધી ચાલતા રહ્યા. જમ્મુ-કાશ્મી૨નો ઘણો મોટો વિસ્તાર લશ્કરે પાકિસ્તાનના કબજામાં જતો બચાવી લીધો. સ્વાતંત્ર્યકાળના આ દિવસો ઉત્તેજક હતા. દેશી રાજ્યના રાજવીઓને સત્તા ટકાવી રાખવા સામે દેશહિતની બાબત જાણે કે વિસારે પડી ગઈ હતી. સરદાર અને તેમના સેક્રેટરી વી.પી. મેનન ખૂબ જ કુનેહથી કામ લેતા હતા. એક પ્રસંગે જોધપુરના નરેશે વી. પી. મેનન સામે પિસ્તોલ તાકી હતી, કારણ એટલું જ હતું કે વી.પી.મેનન મહારાજા જોધપુરને હિંદ સાથે રહેવા સમજાવતા હતા, પાકિસ્તાન સાથે જોડાવાનાં ભયસ્થાનો કહેતા હતા. દેશના મોટા ભાગના રાજવીઓને દેશની સ્થિતિ, અંગ્રેજો અને ઝીણાની ખટપટો વગેરે અંગેની ઊંડી સમજણ નહોતી. તેઓ જ્યારે મળતા ત્યારે અંદરોઅંદર શિકાર, વિદેશપ્રવાસ, હથિયારો, ખાણીપીણી અને મોજશોખની ચર્ચાઓ જ કરતા હતા. દેશ અને દેશી રાજ્યોની આ સ્થિતિ રાજકીય જ્વાળામુખી જેવી હતી. તે જો લાંબો વખત ચાલી હોત તો નવા સ્વતંત્ર દેશને બાક અંધાધૂંધીનો સામનો કરવો સ્વાતંત્ર્ય મળવા સાથે દેશી રાજ્યોને આગળ કર્યાં પગલાં લેવા પડત. દેશને તે અંગે સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે પરિસ્થિતિનો ગેરલાભ લેવા માટે કુટિલ પરિબળો ટાંપીને બેઠાં હતાં.
આ પરિસ્થિતિને સ્વાતંત્ર્ય પહેલાના ત્રણેક દાયકાનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ જોતાં મૂલવીએ તો જણાશે કે રાજવીઓને સ્વાતંત્ર્યની લડતનો મર્મ સમજાયો હતો. પોતાના બહુ અધિકારીઓ અને અંગ્રેજ સત્તાધીશોની ઓછા સલાહ પ્રમાણે સ્વાતંત્ર્ય માટેની લડતોને ક્રૂરતાથી દબાવી દેવાનો સિલસિલો જ તેમણે અપનાવ્યો હતો. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગાંધીજીને છેક દક્ષિણ આફ્રિકામાં અનામી રીતે આર્થિક મદદ મોકલી હતી. અમદાવાદના કોચરબ આશ્રમ અને અન્ય આશ્રમો માટે પણ તેઓ ૨કમો મોકલતા રહ્યા હતા, પરંતુ રાજ્યમાં ચળવળ ચલાવનારાઓને તેઓ કડક રીતે દબાવી દેતા હતા અને દેશી રાજ્યોની ટીકા કરનાર ‘ફૂલછાબ’ સાપ્તાહિક માટે તેમણે ગોંડલ રાજ્યમાં પ્રતિબંધ ફરમાવ્યો હતો.
આખાએ સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્યની લડતો વખતે સમજદારીપૂર્વક વર્યા હોય, ગાંધીજીની ભાવનાઓને અનુસર્યા હોય અને પોતાની પ્રજાની સાથે રહ્યા હોય તેવા ત્રણ રાજવીઓ જુદા તરી આવે છે. તેમાં પ્રથમ છે : ઢસા અને રાયસાંકળીના દરબાર ગોપાળદાસ, બીજા રાજકોટના ઠાકોર લાખાજીરાજ અને ત્રીજા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી.
દરબાર ગોપાળદાસ (૧૮૮૭-૧૯૫૧) કાઠિયાવાડમાં ઢસાના દરબાર અને રાયસાંકળીના તાલુકદાર તરીકે વિખ્યાત થયા હતા. તેમનાં માતા અને પિતાના વડવાઓએ અકબરથી ઔરંગઝેબ સુધીના બાદશાહો, સુલતાનો અને વડોદરાના ગાયકવાડ રાજવીઓ વતી દેસાઈગીરી, અમીનગીરી અને મુલકગીરી કરી વહીવટ કર્યો હતો અને લડાઈઓમાં ખમીર બતાવ્યું હતું. તેઓ સાવલી અને વસોના લેઉવા પાટીદાર હતા. ગોપાળદાસનાં માતા સંજુબા વસોના દરબાર અંબાઈદાસનાં એકમાત્ર સંતાન હતાં. અંબાઈદાસે ગોપાળદાસને દત્તક લીધા હતા. વસોમાં તેમનો ૧૯૧૦માં રાજ્યાભિષેક થયો હતો. ઢસા રાયસાંકળીના ગરાસ તેમના વડવાઓએ કાઠી દરબારો પાસેથી ખરીદેલ હતો. દરબાર ગોપાળદાસના બીજી વારનાં પત્ની ભક્તિબા દેસાઈ તેમની દરેક પ્રવૃત્તિઓમાં સુયોગ્ય સહચરી બની રહ્યાં હતાં. દરબારસાહે ખેડૂતોને ક૨જમાંથી મુક્ત કરાવ્યા. વેઠનો રિવાજ તેમણે રાખ્યો નહોતો. આમવર્ગ સાથે પોતે દાંડિયારાસ લેતા અને છૂપા વેશે નગરચર્યા માટે નીકળતા. તેમણે વઢવાણની ગરાસિયા સ્કૂલ અને ઇન્દોરમાં અભ્યાસ કરતાં પોતાના સ્વમાની અને સ્વતંત્ર મિજાજી સ્વભાવથી અંગ્રેજ શિક્ષકો અને અમલદારોને શેહમાં રાખ્યા હતા.
તિલક સ્વરાજ્ય ફાળા માટે ગાંધીજી ૧૯૨૧માં આવ્યા ત્યારે દરબારના મિત્રોએ તેમાં ૨કમ નહીં આપવાની શરતે ગાંધીસભામાં જવાની રજા આપી. પરંતુ ગાંધીજીના વક્તવ્યથી પ્રભાવિત થયેલા દરબારે પગમાં પહેરવાનો હીરાજડિત સોનાનો તોડો ફાળામાં આપી દીધો, વસ્તુ નહીં આપવાનું ક્યાં કબૂલ્યું હતું? ત્યારથી ગાંધીજીના ધ્યાનમાં તેઓ આવી ગયા અને લડતના રંગમાં રંગાઈ ગયા. ગોપાળદાસ સ્વરાજ સૈન્યમાં દાખલ થયા. મહેલ છોડી આશ્રમવાસી બન્યા. બારડોલી અને આણંદ વચ્ચે સવિનયભંગની ચળવળમાં ખેડા જિલ્લાના પ્રમુખ અબ્બાસસાહેબની નેતાગીરીમાં કામ કરવા લાગ્યા. આણંદ તાલુકા સમિતિના તેઓ પ્રમુખ નિયુક્ત થયા. એવામાં મુંબઈના ગવર્નર કાઠિયાવાડની મુલાકાતે આવતાં પોલિટિકલ એજન્ટ તરફથી સલામી માટે રાજકોટ હાજર થવા ફરમાન થયું. દરબારસાહેબે લખ્યું કે હું મારા ઉપરી (અબ્બાસસાહેબ)ની રજા મળશે તો આવીશ.
ગોપાળદાસની ચળવળ સાથેની હરકતો એજન્સીના અમલદારોના ધ્યાનમાં જ હતી. ગવર્નરની મુલાકાત વખતે એજન્સીના હુકમ કરતાં મહાસભાના મોવડીના આદેશને વધુ માન આપીને રાજકોટ નહીં જવાનો નિર્ણય કરતાં ગોપાળદાસની રાયસાંકળીની દીવાની ફોજદારી હકૂમત છીનવી લેવામાં આવી.ઢસા સહિતના જપ્તી અને ખાલસાના હુકમો થયા, પણ સ૨કા૨નાં આ શસ્ત્રો અને સેના ગોપાળદાસનું મસ્તક નમાવી શક્યાં નહીં. લડત દરમિયાન ચાર-ચાર વાર જેલયાત્રા કરી. હરિપુરા કૉંગ્રેસના સ્વાગતાધ્યક્ષ બનવાનું માન તેમને મળ્યું. કાઠિયાવાડ રાજકીય પરિષદ જેવા સમ્મેલનોમાં અનેક વા૨ પ્રમુખ બન્યા. જીવનભર નાગીરી વહોરી લીધી. દેશની સેવામાં દરબાર સાહેબ અદના ફકીર બની રહ્યા. પચીસ વર્ષ પછી ૧૯૪૭ના મે મહિનામાં તેમને રાજ્યશાસન માનપૂર્વક પાછું સોંપાયું.
૧૯૫૧માં દરબાર ગોપાલદાસ ૬૪ વર્ષની ઉંમરે અવસાન પામ્યા ત્યારે દેશ ખાતર ત્યાગથી ઉજ્જ્વળ દેશભક્તિ, આદર્શ રાજવીની સુવાસ, પ્રણાલિકાભંજક ક્રાંતિકારી તરીકેની મિશાલ, મોટા દાનવીર અને પ્રજાપ્રિય લોકસેવક તરીકેનાં ઉદાહરણો સ્થાપિત કરતા ગયા.
બીજા રાષ્ટ્રપ્રેમી રાજવી તે રાજકોટના કોરસાહેબ શ્રી લાખાજીરાજ (૧૮૮૫-૧૯૩૦) બાળપણમાં માતા-પિતા ગુમાવી બેઠેલા આ રાજવીએ રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો અને દહેરાદૂનમાં લશ્કરી તાલીમ લીધી, પરંતુ વિદેશી કેળવણી સાથે જોડાયેલા મોજશોખ અને ભોગવૈભવ દૂર રાખી કુશળતા, સાદાઈ અને ચપળતા સાથે ધ્યેયનિષ્ઠ રાજવી તરીકેના આદર્શો અપનાવ્યા.
૧૯૦૭માં લાખાજીરાજનો રાજ્યાભિષેક થયા પછી તેમણે રાજ્યવ્યવસ્થા સુધારવા સ્ટેટકાઉન્સિલ નીમી. પ્રજાસેવામાં સતત જાગૃતિ રાખી સ્ટેટગેઝેટ છપાવવું શરૂ કર્યું. નોકરિયાતોના ગ્રેડ સુધાર્યા, તેમની તાલીમ માટે પરીક્ષાઓ શરૂ કરી, ગ્રામપંચાયતો મ્યુનિસિપાલિટીઓ શરૂ કરાવી અને સ્ટેટ બેંકની સ્થાપના કરી. તેમણે સાર્વત્રિક મતાધિકારના ધોરણે પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી અને તેની સાથે સંકળાયેલ મજૂરમંડળ, વ્યાપારીમંડળ કલાકૌશલ્યમંડળ, ધારાસભા, ખેડૂત મહાસભા, અખિલ ધર્મસભ વગેરેનો આરંભ કરાવ્યો.
કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટનું થાણું રાજકોટના જ સદર વિભાગમાં હતું. તેથી અંગ્રેજ અધિકારીઓની નજ૨ તેમની પ્રવૃત્તિઓ પર ફરતી રહેતી, તેમ છતાં તેમનાથી ડર્યા કે ડઘાયા વિના તેમણે પહેલી કાઠિયાવાડ રાજકીય પરિષદ રાજકોટમાં ભરવા દીધી અને ૧૯૨૯માં જવાહ૨લાલ નહેરુના પ્રમુખપદે યુવક પરિષદ યોજવાની પણ રજા આપી. બ્રિટિશ એજન્સીને આ બધુ પસંદ નહોતું. તે અટકાવવા પ્રયાસો પણ થતા.
અન્ય રાજાઓ સ૨કા૨ની નારાજગી વહોરવાને બદલે તેમને રાજી રાખવા સ્વાતંત્ર્ય-ચળવળો ૫૨ દમન ગુજારતા. જ્યારે લાખાજીરાજે તે કશું ધ્યાનમાં લીધા વિના બ્રિટિશ નારાજગી છતાં રાજકોટમાં રાષ્ટ્રીયશાળા માટે નજીવા દરે ૬૫૦૦૦ વાર જમીન આપી હતી.
લાખાજીરાજે રાજકોટમાં પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપેલી અને તેની ચૂંટણી પણ યોજેલી. જેના તમામ (૯૦) સભ્યો ચૂંટાયેલા હોય તેવી આ પ્રજાપ્રતિનિધિ સભા એ પ્રકારની સૌરાષ્ટ્રભરની પહેલી અને એકમાત્ર હતી. આ બધું વિચારીને ૧૯૨૫માં | ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મળ્યું, ત્યારે તેમાં લાખાજીરાજને ખાસ નિમંત્રણ આપીને તેમને ગાંધીજીના હસ્તે માનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે તેમનો સન્માન સમારંભ યોજીને લાખાજીરાજનું ભવ્ય સન્માન કર્યું હતું.
લાખાજીરાજના આવા પ્રજાપ્રેમ અને રાષ્ટ્રભાવના બદલ સારાયે કાઠિયાવાડે તેમને ભવ્ય વિભૂતિ, રૈયતના હૃદયરાજ, પરદુઃખભંજન, રાજર્ષિ અને સંપૂર્ણ સહૃદય કર્તવ્યપરાયણ રાજવી તરીકે સન્માન્યા હતા.
સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યકાળના ત્રીજા પ્રજાપરાયણ અને દેશ ખાતર નિછાવરી કરનાર રાજવી તરીકે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯૧૨-૧૯૬૫) (૧૯૩૧-૧૯૪૮)ને યાદ કરી શકાય. તેમણે પણ બાળપણમાં માતા-પિતા ગુમાવ્યાં હતાં. પરંતુ ભાવનગરની ત્રણ પેઢીથી રાજવી-કુટુંબની દિલથી સેવા કરનાર સર પ્રભાશંકર પટ્ટણી ત૨ફથી તેમને ઉમદા ચારિત્ર્ય, દેશભક્તિ, પ્રજાપ્રેમ અને વિચારશીલતાની કેળવણી પ્રાપ્ત થઈ હતી.
મહારાજાની ઉંમ૨ ૧૨ વર્ષની હતી ત્યારે ગાંધીજી ભાવનગર આવ્યા હતા. પ્રભાશંકરને ગાંધીજી સાથે ઊંડો મિત્રભાવ હોવાથી બાળ મહારાજાને તેમણે ગાંધીજીની મુલાકાતે જવા માટે સૂચવ્યું. કૃષ્ણકુમારસિંહજીએ તે માટે હા કહી. ગાંધીજીને તે વાત કરતાં તેમણે જવાબ આપ્યો કે મહારાજા હાલે બાળક છે, પરંતુ હું ભાવનગર રાજ્યની શામળદાસ કૉલેજમાં ભણ્યો છું. તેથી તેમની પ્રજા છું. એટલે તે મારા પણ મહારાજા છે. તેથી હું મળવા આવીશ. બાળ મહારાજાને આ સાંભળીને આશ્ચર્ય થયું કે ગાંધીજી જેવા મહાન નેતા સામે ચાલીને પોતાને મળવા આવવાના છે. વર્ષો પછી તેમણે કહેલું કે ‘વિનય વિવેક માટે કશો ખર્ચ કરવો પડતો નથી તે મને મહાત્માજી પાસેથી શીખવા મળ્યું.' ગાંધીજી પ્રત્યેનો ઊંડો આદરભાવ તેમના મનમાં સતત જળવાઈ રહ્યો હતો.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના દિવસોમાં દેશી રાજ્યોના રાજવીઓ સત્તા ટકાવી રાખવા માટે સ્વતંત્ર થવા કે જૂથ રચવા કે પાકિસ્તાન સાથે ભળવા ઉધામા કરતા હતા. જામસાહેબ તરફથી કૃષ્ણકુમારસિંહજી ઉપર જામજૂથ યોજનામાં જોડાવા ભારે દબાણ થયું હતું. એક યા બીજા નિમિત્તે તેમણે તે ટાળ્યું હતું.
ભાવનગર રાજ્યના દીવાન તરીકે અનંતરાય પટ્ટણી હતા. આરંભે તેઓ કૃષ્ણકુમારસિંહજીના ટ્યૂટર હતા. મહારાજા તેમને મુરબ્બી અને ગુરુ તરીકે આદર આપતા. રાજકાજમાં કૃષ્ણકુમારસિંહજી દરમિયાનગીરી ઓછી કરતા. મહત્ત્વની બાબતોના નિર્ણય અનંતરાય લેતા જેને કૃષ્ણકુમારસિંહજી ઉથાપતા નહીં, પરંતુ ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્ર સ્થપાય અને રાજ્યની સત્તા ઓછી થાય તેમાં અનંતરાય સંમત થતા નહીં કૃષ્ણકુમારસિંહજીએ તે માટે વારંવાર આગ્રહ રાખેલો, પરંતુ તેમાં વિલંબ થતો હતો તે મહારાજાને પસંદ નહોતું.
એક તબ્બકે દેશનાં દેશી રાજ્યોના પ્રશ્નો ગૂંચવાતા જોઈ મહારાજાએ મક્કમ નિર્ધાર કરી લીધો. અનંતરાય બહારગામ હતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી હતા. સ્થાનિક અગ્રણી જગુભાઈ પરીખને પૂછ્યું. તેમણે સરદાર વલ્લભભાઈને મળવા સલાહ આપી. મહારાજાએ વધુ વિચારીને નક્કી કર્યું કે સૌ પ્રથમ ગાંધીજીને જ મળવું. ગાંધીજીનો સદ્ભાવ તેઓ ભૂલ્યા ન હતા. ગાંધીજી સાથે નિયત થયેલ સમય પ્રમાણે ૧૯૪૭ના ડિસેમ્બરની ૧૭મી તારીખે રાત્રિના ૧૧ કલાકે દિલ્હીના બિરલા હાઉસ ખાતે ગાંધીજીના નિવાસસ્થાને મહારાજા પહોંચ્યા. આ મુલાકાત ગોઠવવા ગઢડાના મોહનલાલ શેઠને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કહેલું, તેમના પ્રયાસોથી ગાંધીજીની મુલાકાત ગોઠવાણી હતી.
પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે. ગાંધીજીના અંતેવાસી મનુબહેનને સૂચના અપાઈ છે. ‘દરવાજે સમય કરતાં પાંચેક મિનિટ વહેલા ઊભા રહેવું, મુલાકાતીને આવકારી અંદર લાવજે.’
ગાંધીજી પાસે તો વાઇસરૉય સહિત અનેક મુલાકાતી આવે છે. તેમના માટે પણ આવી તૈયારી ક્યારેય રખાતી નથી. તેમને બરાબર સારી રીતે આવકાર આપજે.' એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહેનને સતત આશ્ચર્યમાં રાખ્યાં છે.
બિરલા હાઉસના દરવાજે એક કાર આવીને ઊભી રહે છે. બે મહાનુભાવો ઊતરીને મનુબહેન સાથે અંદ૨ આવે છે.
મધ સાથે ગરમ પાણી પી રહેલા ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે.
આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહેનને આપીને ગાંધીજી ઊભા થાય છે. બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહેન ચાખડી લેવા જાય છે. ગાંધીજી અતિથિને હાથ જોડીને સત્કાર કરે છે. પોતાનું સ્થાન ગ્રહણ કરે છે.
મનુબહેન માટે અતિથિ નવા નથી. ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એ નવી બાબત છે. બંધ ગળાનો લાંબો કોટ, સુરવાલ અને ફરની કાળી ટોપી પહેરીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે. સાથેના સફેદ | ફેંટાવાળા દીવાન અનંતરાય પટ્ટણી છે. જેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે. અનંતરાયને બાજુના ખંડમાં બેસાડવાની યોજના બળવંતરાય મહેતાના સૂચનથી ગાંધીજીએ બનાવેલ હતી.
મહારાજા અને ગાંધીજી એકલા જ મળે છે. મંત્રણાનો વિષય છે દેશી રજવાડાંઓ અંગેનો. દેશી રજવાડાંઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સ૨કા૨ સાથે વાટાઘાટો ચલાવી રહ્યાં છે. કાશ્મીર, હૈદરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસત ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે.
અંગ્રેજ સરકારની જ્યાં હકૂમત હતી તે સર્વ પ્રદેશ ભારત અને પાકિસ્તાનને મળ્યા. સ્વાતંત્ર્ય મળ્યું. પણ અખંડ હિન્દ ન રહ્યું. દેશના ભાગલા પડતાં, તેની પછવાડે અંગ્રેજોની કુટિલ રાજનીતિ હતી. તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુદાં-જુદાં પરિબળો કામ કરી રહ્યાં હતાં. તે બાબત હતી દેશી રાજ્યો અંગેની. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હકૂમત નહોતી. તેમના વચ્ચે કરારો હતા. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતાં ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયાં. તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો.
આવા બારીક સમયે રાજસ્થાનના રાજાઓ, અન્ય રાજવીઓ અને સૌરાષ્ટ્રનાં ૨૨૨ ૨જવાડાંઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યાં હતાં. કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરાવવામાં આવ્યા. પ્રશ્ન તાજેતરમાં જ ઉકેલાયો હતો. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર જૂનાગઢનો નવાની જાહેરાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈક રાજપૂત −ાજા પણ પાકિસ્તાન સાથે ભળવાની છૂપી વાટાઘાટો ચલાવી હ્યા હતા. જામનગરના જામસાહેબ જેવાએ જામજૂથ યોજના વિચારી જોઈ હતી. સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નોનો ઉકેલ નજીક દેખાતો નહોતો.
સત્તા છોડવાનું કોઈને પણ ગમે નહિ. રાજાઓને કેમ ગમે? સત્તા સાથે પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહ્યબી દેશવિદેશના પ્રવાસો વગેરે ઘણું સંકળાયેલું હોય છે. બધું એકઝાટકે ચાલ્યું જાય તે શી રીતે સહન થાય? સદીઓથી ભોગવેલી જાહોજહાલી છોડવા રાજવીઓનું મન માનતું નહોતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ઇતિહાસનાં પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા.
કૃષ્ણકુમારસિંહજી જુદી માટીથી ઘડાયેલા હતા. તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માગી હતી. પોતાની તેર વર્ષની ઉંમરે ભાવનગરના નીલમબાગ પેલેસમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવેલા. તે વિવેક અને સદ્ભાવ તેઓ ભૂલ્યા નહોતા.
હાલની ઐતિહાસિક મુલાકાત પહેલાં મહારાજાએ કેટલુંક વિચારી લીધું હતું. દેશના ભાગલા પડ્યા તેનું તો તેમને દુઃખ હતું જ, પણ ફરીથી તેવું કઈ પણ થાય તે તેમનાથી સહન થાય તેમ ન હતું. દેશની એકતા ખાતર સાત સૈકા જૂની પોતાની રાજસત્તા, જનકવિદેહીની જેમ નિર્લેપ બનીને, નિખાલસ ભાવથી, છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા. તેમના પગલામાં દઢતા હતી..
‘મારી પ્રજા સુખી રહો’ એવા મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનારા અનોખા માનવી હતા. ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. મહાત્માજી કહે, ‘રાણીસાહેબને અને તમારા ભાઈઓને પૂછ્યું છે?' જવાબ મળ્યો મારી ઇચ્છામાં રાણીસાહેબની ઇચ્છાનો સમાવેશ થઈ જાય છે. તેમની પ્રેરણાથી બધું કરું છું.'
દસ પંદર મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીનાં ચરણે ધરી દીધી. તે નિમિત્તે જે કોઈ પગલાં લેવાનાં થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજ્યતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો રાખશે સાલિયાણું ગાંધીજી નક્કી કરી આપશે તે જ લેશે.
મહારાજાની લાગણીભીની રજૂઆતથી ગાંધીજી ચકિત થઈ ગયા. હિંદનાં બધાં દેશી રજવાડાંમાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરી હતી. તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે કૃષ્ણકુમારસિંહજીને આપ્યું. આ મહારાજા તો મહારાજા જ છે. એમ ગાંધીજીએ કહ્યું. સાવ નિર્દોષ બાળક જેવો સ્વભાવ છે. તેઓ ઉત્તમ વૃત્તિ ધરાવે છે અદ્ભુત માણસ છે. પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા.
ગાંધીજીએ કહ્યું કે આવા થોડા રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતાં જરાય ખચકાઉ નહીં. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન તે અત્યારનાઓને નથી. આ રીતે આ લોકો ખૂબ કામના છે.
ગાંધીજીના મનમાં કૃષ્ણકુમારસિંહજીની ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓને તેઓ હર્ષભેર આ વાત કહેતા રહ્યા. સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરીને તેમના નિર્ણયના અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી. મહાત્માજી પોતાની પ્રતીતિ સૌને જણાવતા રહ્યા કે સૌ રાજાઓએ કૃષ્ણકુમારજીના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી. મહારાજાને વળાવવા ગાંધીજી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા.
ગાંધીજી દ્વારા કોઈ મહાનુભાવને આવકારવા-વળાવવાનો આવો વિધિ થતો નહોતો. મનુબહેને તો પૂછી પણ લીધું, બાપુ, તમે ઊભા કેમ થયા હતા.' ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણેલા એટલે મહારાજાને તેમણે માન આપવું ઘટે.
મનુબહેને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું કે મારી ઇચ્છામાં રાણીસાહેબની ઇચ્છા પણ આવી જાય છે.' આ તેમના ગળે ઊતરતું નહોતું. સ્ત્રીસ્વભાવ એટલો સીધોસાદો હોતો નથી. આટલું મોટું રાજ્ય, તેનો સુખવૈભવ અને માનહિમા છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહીં. પછીથી ભાવનગર ખાતે મહારાણી વિજયાબાને મળવાનું થયું ત્યારે આ વાત આગળ ચાલી. આ દેવાંશી સન્નારીમાં પણ મનુબહેનને મહારાજા જેવી જ ઉમદા ત્યાગભાવનાનાં દર્શન થયાં. તેમણે કહ્યું, ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને? એમાં ક્યાં ઉપકાર કર્યો? વળી બાપુનાં ચ૨ણે ધ૨વાનું અમને તો ૫૨મ સદ્ભાગ્ય સાંપડ્યું.' મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે.
૧૯૪૮ના જાન્યુઆરીની ૧૫મી તારીખે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર રાજ્યતંત્રની ઘોષણા કરી. સરદાર વલ્લભભાઈ પટેલે તે સમારંભમાં ઉપસ્થિત રહી મહારાજાની ત્યાગભાવનાને બિરદાવી. મહારાજાએ સમગ્ર સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય રચાય તેમાં પ્રથમથી સંમતિ આપી દીધી હતી. પછીના થોડા મહિનામાં સરદાર પટેલનો એ સંકલ્પ પણ સિદ્ધ થયો. દેશની એકતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું એક પવિત્ર અને વિરાટકાર્ય બની રહ્યું.
સાતસો વર્ષ પહેલાં મારવાડમાંથી કાઠિયાવાડમાં આવેલ ગોહિલવંશના સેજકજીથી આરંભીને તેઓ ૨૬મા રાજવી હતા પાલિતાણા અને લાઠીમાં આ રાજવંશની શાખાઓ હતી. તેવી જ શાખાઓ રાજપીપળા અને વલ્લભીપુર (વળા)ને ગણી શકાય જૂના સમયમાં રાજવીઓને બે-ત્રણ કે વધુ રાણીઓ હોય તેવો શિરસ્તો હતો. મહારાજા ભાવસિંહજી બીજા (૧૮૭૫-૧૯૧૯) પ્રથમ રાજવી હતા જેમણે એકપત્નીવ્રત સ્વીકાર્યું હતું. તેમનાં પ્રથમ લગ્ન દેવગઢબારિયાનાં કુંવરી દેવકુંવરબા સાથે ૧૮૯૨માં થયેલાં જેમનું ૧૯૦૩માં અવસાન થયું. તેમને એક રાજકુમારી મનહરકુંવરબા હતાં જેમનાં લગ્ન ૧૯૧૨માં પન્ના (મધ્યપ્રદેશ) ના રાજવી યાદવેન્દ્રસિંહજી સાથે થયાં હતાં.ભાવસિંહજીનાં બીજા લગ્ન ૧૯૦૫માં ખીરસરા (રાજકોટ પાસે)-ના રાજકુમારી નંદકુંવરબા સાથે થયેલાં જ્યારે તેમની ઉમ્મર ૧૬ વર્ષ જેટલી હતી. તેમણે ૧૯૧૨ના ૧૯ મેના શુભ દિને યુવરાજ કૃષ્ણકુમારસિંહજીને જન્મ આપ્યો. બીજા કુમાર નિર્મળ કુમારસિંહજીને ૧૯૧૫માં અને ધર્મકુમારસિંહજીનો ૧૯૧૭માં જન્મ થયેલો.
યુવરાજના જન્મપ્રસંગે ભાવસિંહજીએ પોતાના ટ્યૂટર ગણપતરામ ત્રવાડીને સુરતથી બોલાવી પોશાક વગેરે ગુરુપ્રસાદી આપી કુમારના નામ માટે પૃચ્છા કરી હતી. ગણપતરામે કૃષ્ણકુમાર નામ સૂચવેલું જે સ્વીકારાયું હતું.
થોડાં વર્ષોમાં દુઃખદ ઘટનાઓ રૂપે ૧૯૧૮માં મહારાણી નંદકુંવરબાનું અને ૧૯૧૯માં મહારાજા ભાવસિંહજીનું અવસાન થયેલ. રાજ્યકુટુંબ અને પ્રજા સમસ્ત તરફથી બ્રિટિશ સરકારને વિનંતી થતાં ભાવનગર રાજ્યના પૂર્વ દીવાન પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે સગીર સમિતિની નિયુક્તિ થઈ ૧૯૨૦ સગીર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ઉંમર ત્યારે ૭ વર્ષની હતી. ગાદીવારસ હોવાથી ગાદીએ બેસાડવાનો વિધિ થઈ ચૂકેલો હતો. ભાવનગર ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર પછી ત્રીજા ક્રમનું રાજ્ય હતું, જોકે રાજ્યને રેલવે અને બંદરની સુવિધાઓ હોવાથી આવકની દૃષ્ટિએ તેનો ક્રમ પહેલો હતો.
પ્રભાશંકર પટ્ટણીને મહારાજા ભાવસિંહજી બીજા પ્રત્યે અત્યંત આદર હોવાથી તેમણે કુમારોના શિક્ષણ વગેરે માટે પૂરતી કાળજી લીધી હતી. અંગ્રેજ ટ્યૂટરો દ્વારા શિક્ષણની વ્યવસ્થા હતી, પણ પ્રભાશંકર જાતે ધ્યાન આપતા. મિસ ૨સલ નામનાં અંગ્રેજબાનુ દ્વારા બાળમહારાજાનું સંસ્કારસિંચન થયું હતું. તે સાથે હિન્દી ટ્યૂટર પણ રાખવામાં આવેલા. પ્રભાશંકરના સાહિત્યપ્રિય મોટા પુત્ર અનંતરાય ઇંગ્લૅન્ડ જઈ એમ.એ. સુધીનો અભ્યાસ કરી આવેલા હતા. તેઓ પણ ટ્યૂટર તરીકે કામ કરતા. શરૂઆતમાં બે-ત્રણ વર્ષ કૃષ્ણકુમારસિંહજીનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કૉલેજમાં ચાલ્યું. રાજકુમાર કૉલેજનો ૧૮૭૧માં આરંભ થયો ત્યારે તેના પહેલા વિદ્યાર્થી કૃષ્ણકુમારસિંહજીના દાદા તખ્તસિંહજીએ પોતાની માતૃસંસ્થાના મુખ્ય મકાનની સાઉથ વિંગ બંધાવી આપી હતી. રાજકોટથી અમદાવાદ જતા રસ્તાનો આજી નદી ૫૨નો કૈસરેહિંદ પુલ બંધાવી આપ્યો હતો. મહારાજા ભાવસિંહજી બીજાએ પણ હૉલ બંધાવી આપ્યો હતો અને ૪૦ વર્ષ સુધીના જૂના વિદ્યાર્થીઓની ડિરેક્ટરી ૭ ભાગમાં ઇંગ્લૅન્ડમાં છાપકામ કરાવી તૈયાર કરાવી આપી હતી.
બાળમહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજકુમાર કૉલેજમાં વ્યાપક સદ્ભાવ પ્રાપ્ત થયો હતો. તેમને ૯ વર્ષની ઉંમરે નિશાનબાજી માટે ઇનામ મળ્યું હતું.
કૃષ્ણકુમારસિંહજીની ઉંમ૨ ૧૩ વર્ષની હતી ત્યારે ભાવનગરમાં મહાત્મા ગાંધીજીના પ્રમુખપદે કાઠિયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન મળ્યું હતું. ગાંધીજીની પ્રભાશંક૨ સાથેની મિત્રતાના હિસાબે તેઓ ભાવનગ૨માં અને ત્રાપજ બંગલે એક અઠવાડિયું રોકાયા હતા. છેલ્લા દિવસે પ્રભાશંકરે બાળમહારાજાને પૂછ્યું કે આપણે ગાંધીજીની મુલાકાતે જઈએ. તેમણે હા કહી જ્યારે પ્રભાશંકરે ગાંધીજીનો સમય પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે હું થોડો સમય ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણ્યો છું, એટલે એક વખતનો અહીંનો પ્રજાજન કહેવાઉં તેથી મહારાજા ભલે બાળક હોય, મળવા તેમણે આવવાનું ન હોય, હું જઈશ. સામેથી ગાંધીજી પોતાને મળવા આવ્યા તે બાબતનો મહારાજાના મનમાં ઘણો ઊંડો પ્રતિભાવ પડ્યો હતો. ગાંધીજી પ્રત્યેના તેમના આકર્ષણનાં બીજ ત્યારથી વવાયાં. તેમને એ પણ શીખવા મળ્યું કે વિનય વગર ખર્ચે મળી શકતો ખજાનો છે. સદ્ભાવ પ્રાપ્ત કરવાની કૂંચી છે, જીવનકલાને ખીલવવાનું અજાયબ સાધન છે.
એ જ ૧૯૨૫ના વર્ષે કૃષ્ણકુમારસિંહજીને વધુ અભ્યાસ માટે વિલાયત જવાનું થયું ત્યારે તેમને પ્રજાએ ભવ્ય વિદાયમાન આપ્યું હતું. તૈયારી માટે પ્રથમ તેમને ઈસેક્સમાં આવેલી રેવરન્ડ બ્રેયર્સ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. ૧૯૨૭-૨૮ દરમિયાન દો વર્ષ તેઓ હેરોની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તે સમય દરમિયાન તેમણે કોચ રાખીને ક્રિકેટની ખાસ તાલીમ લીધી હતી. પછીથી પ્રસંગોપાત્ત ક્રિકેટ રમતા રહેલા અને ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપતા રહેલા. તે ઉપરાંત તેમણે ઇંગ્લૅન્ડમાં તેમજ દેશમાં ટેનિસ, પોલો, ગૉલ્ફ, હોડી ચલાવવી, ફિશિંગ, નિશાનબાજી,ઘોડેસવારી વગેરે શોખ કેળવ્યા હતા. પછીના સમયમાં હૉકી, ફૂટબૉલ, પોલો વગેરે રમતોમાં જાતે ભાગ લેતા. જોકે લાંબા સમય સુધી ઇંગ્લૅન્ડ મોકલી કુમારોને કેળવણી આપવામાં આવે તેનો પ્રભાશંકર વિરોધ કરતા.
૧૯૨૮માં મહારાજા વિદેશથી પરત આવ્યા ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષની થઈ હતી. રાજવહીવટનો તેમને ખ્યાલ મળે તે માટે વહીવટી કાઉન્સિલના ચારે મેમ્બરો સાથે મુલાકાતો અને કામના અનુભવની વ્યવસ્થા કરવામાં આવી. તે સાથે મહારાજા શામળદાસ કૉલેજમાં ઇતિહાસ, અંગ્રેજી, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોના વર્ગોમાં હાજરી આપે તેવી ગોઠવણ કરાઈ હતી. વર્ગમાં મહારાજા માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરાતી. તે સિવાય તેમના પ્રત્યે અન્ય વિદ્યાર્થીઓની જેમ જ વ્યવહાર કરવામાં આવતો. મહારાજાએ રાજવહીવટ સંભાળ્યો તે પછી પણ તેઓ ફોન કરી કૉલેજમાં કોઈ અધ્યાપક સમય આપી શકે તેમ હોય તો ગાડી મોકલતા અને રૂબરૂ બોલાવી જ્ઞાનવૃદ્ધિ કરતા.
સગીર વહીવટ
૧૯૨૦થી ૧૯૩૧ના સમય દરમિયાન પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સગીર અવસ્થામાં ભાવનગર રાજ્યનો વહીવટ જે કમિટીએ કર્યો તેમાં ઉપપ્રમુખ તરીકે અંગ્રેજ મિલિટરી અધિકારી કર્નલ આર. સી. બર્ક અને પછીથી કર્નલ એ. એચ. મોસને મૂકવામાં આવ્યા હતા. બાકીના બે સભ્યો તરીકે દીવાન બહાદુર ત્રિભોવનદાસ કાલિદાસ ત્રિવેદી અને ખાનબહાદુર શાવકશા ઘોઘાવાળા હતા. સમિતિના મંત્રી તરીકે લેફ. કર્નલ જોરાવરસિંહજી કામ કરતા હતા.
મુંબઈની સરકારે નિયુક્ત કરેલ આ કાઉન્સિલના વહીવટમ પ્રભાશંકર પટ્ટણીએ ખૂબ તકેદારી રાખી હતી એટલે કોઈ પ વિવાદ વિના તે ચાલ્યો હતો. ભાવસિંહજીએ સ્થાપેલી પ્રજાપ્રતિનિધિ સભામાં સભ્યોની નિયુક્તિ થતી તેના બદલે ચૂંટણીની માંગણી થતી હતી, પણ પ્રભાશંકરે ના કહી હતી. સરદાર પૃથ્વીસિંહ આઝાદ (સ્વામીરાવ) આંદામાનની કાળાપાણીની સજામાંથી ભાગી છૂટેલા હતા. જેને ભાવનગરનાં શ્રીમનહ૨કુંવારબા રાજપૂત વિદ્યાલય (છાત્રાલય)માં ગૃહપતિ તરીકે રખાયા હતા. આમ સલામત રીતે બની શક્યું તે ભાવનગર રાજ્યના બ્રિટિશ સરકારના સારા સંબંધો અને પ્રભાશંકર પટ્ટણીની કુનેહને આભારી હતું.
કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે ગાંધીજી ભાવનગર આવેલા ત્યારે પ્રભાશંકરે શરત મૂકી હતી કે કોઈ અન્ય રાજ્યોની ટીકા કરતા ઠરાવ થવા ન જોઈએ. ગાંધીજીએ તે માન્ય કરેલ. છતાં હસીને પૂછ્યું કે જો તેવા ઠરાવ થાય તો? ત્યારે પ્રભાશંકરે હસીને જવાબ આપેલો કે તેવા સંજોગોમાં ભાવનગરની જેલ દૂધે ધોવરાવું, આપને તેમાં પધરાવું અને હું આપની સામે બેસું. આવા જવાબમાં પ્રભાશંકરની સૌમ્યતા અને દઢતા બન્નેનાં દર્શન થતાં હતાં. ખરેખર તેમાં કશું અઘટિત બન્યું નહોતું.
સગીર વહીવટ દરમિયાન પ્રજાવિકાસનાં કામો પ્રત્યે સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ભાવનગર રાજ્યના ખેડૂતો ઉપર તે વખતે દેવાનો ભાર ઘણો વધી ગયો હતો. આથી ૧૯૨૨માં ખેડૂતોના કર્જ નિવારણ માટે ઋણરાહત ધારો ઘડવામાં આવ્યો હતો. કરજના આંકડા કઢાયા અને રાજ્યે વેપા૨ીઓને ખેડૂતોના કરજની ૨કમ ચૂકવી આપી. ખેડૂતોએ આપવાની ૨કમ વિઘોટીની રીતો હળવી બનાવાઈ. આ ઘણા મોટા ફેરફારથી ખેડૂતોને રાહત થઈ, ખેતીની સમૃદ્ધિના પગરણ મંડાયાં અને ભાવનગર રાજ્યને સરકારમાં અને અન્ય રાજ્યમાં યશ મળ્યો.
ગુજરાત ગૌરવગાથા
(ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર)