પ્રેમનો પગરવ
ઈશ્વર એ પ્રેમનું સ્વરૂપ છે. સારા વિચારો, ઘટનાઓ તેમજ પ્રસંગો એ આવા પ્રેમના અવતરણના પ્રતીકરૂપ હોય છે. એ અદભૂત પ્રેમના પગલાં આપણા દિલમાં થાય એ તો આપણા જીવનની ધન્ય ક્ષણો કહેવાય. પ્રેમના આગમન પૂર્વે સંભળાતો એના આવવાનો અવાજ - પગરવ આપણને ઇશ્વરના આગમનનો સંકેત આપે છે. પ્રેમનો પગરવ ઈશ્વર પ્રત્યે તેમજ એક માનવીની માનવી પરત્વેની ફરજ પ્રેમ, સંવેદનાનું સાદું નિરૂપણમાત્ર છે. એનો ઉદ્દેશ દરેક હૃદયમાં પ્રેમનો આવો જ પગરવ સંભળાય એટલો જ છે.
અહીં આલેખાયેલા આ બધા પ્રસંગો ઇન્ટરનેટ તેમજ ઈમેલ પરથી લીધા છે. હું આશા રાખું છું કે આ પ્રસંગો દરેક માનવીના મનમાં એવી જ સંવેદના જન્માવે જેવી વાતોના પાત્રોનાં હૃદયમાં ઉદભવી છે અને એવી જ કોઈ સંવેદનાની સીડી પરથી ઊતરીને ઈશ્વર આપણા દરેકના હૃદયમાં આગમન કરે !
- ડૉ. આઇ. કે. વીજળીવાળા
૧. નાના બાળકનો નિબંધ
એક પ્રાથમિક શાળાનાં શિક્ષિકાબહેને પોતાના વિદ્યાર્થીઓને એક નિબંધ લખવા આપ્યો. વિષય હતો : ભગવાન તમારા પર કઈ કૃપા કરે તો તમને ગમે ?
બધા વિદ્યાર્થીઓએ મન દઈને પોતાના વિચારો કાગળ પર ઉતાર્યા. શિક્ષિકાબહેન એ બધા કાગળ લઈને ઘરે આવ્યાં. દિવસના અંતે એ નિબંધો તપાસવા બેઠાં. એમાંથી એક બાળકનો નિબંધ વાંચીને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.
બરાબર એ જ વખતે એમના પતિ કામેથી પાછા આવ્યા. ઘરે આવતા જ પત્નીને રડતી જોઈને એ બોલ્યા, કેમ શું થયું ? તું કેમ આટલું બધું રડે છે ?"
‘આ બાળકનો નિબંધ વાંચો !' શિક્ષિકાબહેને રડતાં રડતાં જ પોતાના પતિને કાગળ હાથમાં આપતાં કહ્યું. એમના પતિએ નિબંધ લખેલો કાગળ હાથમાં લીધો.
એક નાનકડા બાળકે એમાં લખ્યું હતું કે, હે ભગવાન ! હું તમને મારા ઉપર એક ખાસ કૃપા કરવાની પ્રાર્થના કરું છું. તમે મને ટેલિવિઝન (ટીવી) બનાવી દો. મારે ટીવી બનીને મારા ઘરમાં ટીવીની માફક જીવવું છે, જેથી કરીને આખું જ ઘર મારી આસપાસ રહે. હું જ બધાના રસનું અને આકર્ષણનું કેન્દ્ર બની રહું. મને સાંભળતી વખતે કોઈ વચ્ચે ન બોલે કે કોઈ કાંઈ સવાલ ન કરે. બધા મારી ખૂબ જ કાળજી રાખે. મારાં માતાપિતા તેમ જ ભાઈ-બહેનોને પણ મારી કંપની ગમે. મારું કુટુંબ મારી સાથે રહેવા માટે એનાં હજાર કામ પડતાં મૂકી દે. એ લોકો મારી સાથે સમય ગાળવા આતુર હોય અને હે ભગવાન ! હું પણ એ બધાને સુખી કરી શકું અને ખુશ પણ કરી શકું. માટે મારી ઇચ્છા છે કે તમે મને એક સરસ મજાનું ટીવી બનાવી દો ! બસ, મારા પર એટલી કૃપા કરજો, પ્રભુ !'
નિબંધ પૂરો કરીને એમના પતિએ શિક્ષિકાબહેનની સામે જોયું. પછી કહ્યું, માય ગોડ ! અરે ભગવાન ! કેવો દુઃખી છોકરો છે આ ! અને કેવુ ખરાબ કુટુંબ મળ્યું છે એને ! ખરેખર દયા આવે છે મને તો !'
આંખમાં આંસુની ધાર સાથે શિક્ષિકાબહેને પોતાના પતિ સામે જોયું. પછી કહ્યું, “એ નિબંધ આપણા દીકરાએ લખ્યો છે !
------------------------------------------------
૨.દિવ્ય અંશ !
ભગવાને સમગ્ર સૃષ્ટિની રચના કરી. ત્યાર પછી ફરિશ્તાઓને એકઠા કરી એમણે કહ્યું કે પોતે હવે પોતાની પ્રતિકૃતિ એવા માણસની રચના કરવાના છે. ફરિશ્તાઓની હાજરીમાં ભગવાને માણસને બનાવ્યો, એનામાં પ્રાણ પૂર્યો અને એને ધરતી પર મોકલી આપ્યો. માણસની વિદાય પછી ભગવાનને વિચાર આવ્યો. એમણે ફરિશ્તાઓને કહ્યું કે પોતે હવે માણસ માટે દુનિયામાં જ પોતાનો દિવ્ય અંશ છોડી જવા માગે છે અને માણસને એ સહેલાઈથી ન મળી જાય એવી રીતે સંતાડવા માગે છે તો એ ક્યાં રાખી શકાય ?
પ્રભુ, પરંતુ તમારે એ દિવ્ય અંશને સંતાડવો છે શું કામ ? માણસને એ સહેલાઈથી મળી જાય એમ જ રાખોને ફરિશ્તાઓએ કહ્યું.
‘નહીં !’ ભગવાન બોલ્યા, “એમ સહેલાઈથી મળી જા એવી વસ્તુઓની માણસને મન કોઈ કિંમત નહીં રહે. એટલે એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં એ સહેલાઈથી ન પહોંચી શકે
'તો ભગવાન ! કોઈ સૌથી ઊંચા અને અભેદ પર્વતીય શિખર પર એને મૂકી દો !' ફરિશ્તાઓએ થોડી મસલત પછી કહ્યું.
ભગવાને ના પાડી, કહ્યું, માણસને મેં સાહિસક બનાવ્યો છે. એ ગમે તેવા ઊંચા અને અભેદ શિખરને પણ સર કરી જ લેશે ! અને પછી એવા રસ્તાઓ બનાવશે કે ત્યાં આસાનીથી પહોંચી જવાય !'.
તો પ્રભુ ! એને સૌથી મોટા સાગરની વચ્ચેના કોઈ બેટ પર ગોઠવી દો !'
નહીં ! માણસને મેં બુદ્ધિશાળી પણ બનાવ્યો છે. આજે નહીં તો કાલે એ હોડી કે મોટા વહાણ બનાવતા શીખી જ જશે અને સહેલાઈથી એ દિવ્ય અંશ ને પ્રાપ્ત કરી લેશે !' ભગવાને ના પાડી.
‘એક કામ કરો ! ધરતીમાં ધરબી દો !" ફરિશ્તાઓએ વધુ એક ઉપાય બતાવ્યો.
એમ પણ નહીં !' ભગવાને કહ્યું, એક દિવસ માણસ પૃથ્વીના પેટાળ સુધી ખોદવાની તાકાત ધરાવતો થઈ જશે.'
ફરિશ્તાઓ હવે મૂંઝાયા. હાથ જોડીને એમણે કહ્યું, પ્રભુ ! હવે અમને તો કોઈ જ ઉપાય સૂઝતો નથી ! તમે જ સર્વજ્ઞાતા અને જ્ઞાની છો. તમે જ કહો કે એ દિવ્ય અંશ દુનિયામાં જ ક્યાં સંતાડી શકાય, જેથી માણસ એ સહેલાઈથી મેળવી ન શકે ?
ભગવાન સહેજ હસ્યા, પછી ગંભીર બની બોલ્યા, ‘હું એ દિવ્ય અંશને દુનિયામાં જ એવી રીતે સંતાડીશ કે માણસ ભાગ્યે જ ત્યાં સુધી પહોંચી શકશે, એટલે એને એ સહેલાઈથી મળી જ નહીં શકે !
‘ક્યાં પ્રભુ ? એવી કઈ જગ્યા છે જ્યાં માણસ ભાગ્યે જ પહોંચી શકશે ! તમે એવી કઈ જગ્યાએ એને સંતાડશો ?
ફરિશ્તાઓ પર એક નજર કરી ભગવાન બોલ્યા, માનવીના હૃદયમાં ! એકને બીજાના હ્રદયમાંથી જ એ મળી શકશે, પરંતુ એ મેળવવા એક માણસે બીજાના હૃદય સુધી પહોંચવું પડશે અને મને ખાતરી છે કે માણસને એ રસ્તો અત્યંત અઘરો લાગશે !!
ભગવાનની વાત બિલકુલ સાચી નથી લાગતી ? આજે પણ એ એક જ રસ્તે ચાલવામાં માણસ સૌથી વામણો પુરવાર થઈ જ રહ્યો છે ને ?
-------------------------------------------
૩.બે ચમત્કાર!
અત્યંત ભીષણ દુષ્કાળના એ દિવસો હતા. પીવા પૂરતું પાણી માંડ મળી રહે એવી પરિસ્થિતિ. પરદેશના એક ગામમાં એ વખતે દરેકનો જીવ પડીકે બંધાયેલો. થોડા દિવસમાં વરસાદ ન પડે તો વાવેલું બધું જ નિષ્ફળ જાય તેવું લાગતું હતું. પીવાના પાણીનું પણ રેશનિંગ ચાલતું હતું એવા સમયમાં પાક માટે કે બગીચાઓ માટે પાણી ન જ મળે એ હકીકત સમજી શકાય તેવી હતી. ઘરમાં કે બહાર કોઈ પાણીનો જરા પણ બગાડ ન કરે તેવી દરેક ઘરને કડક સૂચના અપાઈ ગઈ હતી.
એવા કપરા દુષ્કાળની એક અત્યંત ગરમ બપો૨ે એક સ્ત્રી એના રસોડામાં કામ કરી રહી હતી. અચાનક એનું ધ્યાન બહાર ગયું. એણે જોયું તો એનો છ વરસનો દીકરો ઘરની પાછળ આવેલી ઝાડીઓ તરફ જઈ રહ્યો હતો. એવા ધોમધખતા તાપમાં એ ખૂબ ધીમેધીમે ચાલતો હતો. કાળજીપૂર્વક ડગલાં માંડતો એ પેલી ઝાડીઓમાં ઘૂસી ગયો. બે-ચાર ક્ષણોમાં જ એ દોડતો પાછો આવ્યો. માતા ફરીથી પોતાના કામે વળગી. એને થયું કે બાળકને એ ઝાડીમાં જે કંઈ કામ હશે એ પૂરું થઈ ગયું હશે.
દીકરો થોડી વાર પછી ફરી વખત એનું ધ્યાન ગયું કે એનો ડગલાં માંડતો પેલી ઝાડી તરફ જઈ રહ્યો હતો. એ ખૂબ જ ધીમેધીમે જતો હતો એને જોતાં એવું લાગતું હતું કે જાણે કોઈ ચીજ ખુબ જાળવીને લઈ જઈ રહ્યો છે, પરંતુ પાછા ફરતી વખતે એ દોડતો આવતો હતો. વધારે બેથી ત્રણ વખત આવું ચાલ્યું એટલે પેલી સ્ત્રીથી ન રહેવાયું. બાળક ક્યારનો આ શું કરી રહ્યો છે એ એને ખબર ન પડે તેમ જોવાનું એણે નક્કી કર્યું.
ફરી એક વાર એનો દીકરો રસોડાની બાજુમાંથી પાછળની ઝાડી તરફ જવા માટે નીકળ્યો ત્યારે માતાએ ચૂપચાપ એની પાછળ જવાનું શરૂ કર્યું. એણે જોયું તો બાળક એના નાનકડા ખોબામાં સમાય તેટલું પાણી લઈને હળવે હળવે ચાલી રહ્યો હતો. પાણીનું એક ટીપું પણ ન ઢોળાય એવી તકેદારી સાથે એ ચાલતો હતો. એ ઝાડીમાં ઘૂસ્યો. માતા પણ પાછળ ગઈ.
માતાએ જોયું તો મોટા શિંગડાવાળાં લગભગ દસેક હરણનું ટોળું ત્યાં ઊભું હતું. એને બીક લાગી કે આટલા મોટા હરણ એના દીકરાને ક્યાંક મારી ન દે ! પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એ હરણના ટોળાએ બાળકને કંઈ ન કર્યું. બાળક નીચે બેસી ગયો. હવે છેક માતાનું ધ્યાન ગયું કે જમીન ૫૨ હરણનું એક નાનું બચ્ચું હાંફતું પડ્યું હતું. કદાચ ખૂબ આકરા તડકાને કારણે એને લૂ લાગી ગઈ હતી. પાણીના અભાવે એ મરણતોલ થઈ ગયું હતું. જેવો આ બાળક નીચે બેઠો કે તરત જ એ બચ્ચાએ મોઢું ઊંચું કર્યું. એક ટીપું પણ ન ઢોળાય એવી કાળજીથી બાળકે ખોબામાં રહેલું પાણી એ હરણબાળના મોંમાં રેડી દીધું. પછી ઘર તરફ પાછો ભાગ્યો. હજુ એને સંતાયેલી માતાની હાજરીનો ખ્યાલ નહોતો આવ્યો. માતા ચૂપચાપ એની પાછળ આવી. એણે જોયું તો ઘરની પાછળ પાણીનો સંગ્રહ કરવા માટેની કોઠીના નળમાંથી ટપકતું પાણી ટીપેટીપે એ બાળક પોતાની હથેળીમાં ઝીલતો હતો. પંદરેક મિનિટે એની નાનકડી હથેળી ભરાઈ ગઈ. ઝાડી તરફ જવા માટે જેવો એ પાછળ ફર્યો કે એ જ સમયે માતા એની સામે આવીને ઊભી રહી ગઈ. પાણીનું ટીપું પણ ન બગાડવાની કડક સૂચના એ બાળકને બરાબર યાદ હતી. એ ધ્રૂજી ગયો. એની આંખમાં અપરાધભાવ અને સાથેસાથે ઝળઝળિયાં આવી ગયાં. માંડ માંડ એ એટલું જ બોલી શક્યો કે, મા ! હું આ પાણી વેડફતો નથી, પણ...'
મને બધી ખબર છે મારા વહાલા દીકરા ! માતાએ એને આગળ ન બોલવા દીધો. રસોડામાંથી પાણીનો મોટો જગ લઈ આવી એણે બાળકના હાથમાં પકડાવ્યો. બંને પેલી ઝાડી પાસે ગયાં. માતા દૂર સંતાઈને ઊભી રહી. બાળકે જ્ગમાંથી એ હરણબાળને પાણી પીવડાવ્યું. પૂરતું પાણી મળતાં જ હરણનું બચ્ચું કૂદકો મારીને ઊભું થઈ ગયું. પછી વહાલથી બાળકના હાથ ચાટીને જતું રહ્યું.
દૂર સંતાઈને આ બધું જોઈ રહેલી માતાની આંખમાંથી આંસુનાં ટીપાં પડવાં લાગ્યાં અને બરાબર એ જ વખતે આકાશમાંથી પણ મોટાં મોટાં ટીપાં વરસવા લાગ્યાં અને થોડી વાર પછી ધોધમાર !
એ માતા લખે છે કે, “કોઈ કદાચ આ ઘટનાને યોગાનુયોગ કહેશે. એ વખતે વરસાદ પડવાનો જ હશે એમ પણ કોઈક કહેશે. એ બધા માટે મારી પાસે કોઈ જ દલીલ નથી, પણ હું તો એટલું જ કહીશ કે એ દિવસે મેં એક સાથે બે ચમત્કાર જોયા. મારા દીકરાના પ્રયત્નોએ તરસ્યા હરણબાળને બચાવ્યું, અને એના બદલામાં કુદરતે અમારા પૂરા પંથકને બચાવી લીધો !'
-----------------------------------------
૪.ગુસ્સો
આ એક સત્યઘટના છે.
અમેરિકામાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો. સપનાની કાર ખરીદવાના કારણે એ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો. જે સાંજે એ કાર લઈ આવ્યો હતો એ સાંજથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીતો ગણગણતો હતો ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા.
બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર આવ્યો. પોતાની મનપસંદ કારને જોવા માટે એણે દૃષ્ટિ કરી, પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો. એના મોંમાંથી ચીસ નીકળી પડી. એનો પાંચેક વર્ષનો દીકરો હાથમાં પથ્થર લઈને કારની ઉ૫૨ કંઈક લીટા કરી રહ્યો હતો. એ માણસને ભયંકર ક્રોધ ચડ્યો. ગુસ્સામાં આંધળા થઈને એણે દોટ મૂકી. નાનકડા છોકરાના હાથને પકડીને જોરજોરથી . એણે બાજુની ફેન્સિંગ સાથે અફળાવ્યો. એટલાથી એનો ગુસ્સો શાંત ન થયો એટલે એણે બાજુમાં પડેલો પથ્થર લઈને એ છોકરાના હાથ પર મારી દીધો. છોકરાએ ભયંકર ચીસ પાડી. પછી એ બેભાન જેવો થઈ ગયો. એ વખતે પેલા માણસને ખ્યાલ આવ્યો કે ગુસ્સામાં એનાથી થોડુંક વધારે મરાઈ ગયું હતું. આમેય ગુસ્સો ઓછો થયા પછી કે ઊતર્યા પછી જ દરેક વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય છે. આ માણસને પણ એવું જ થયું. દીકરાને વધારે પડતું વાગી ગયું છે એવો ખ્યાલ આવતા જ એ માણસ એને લઈને હૉસ્પિટલ દોડ્યો.
ડૉક્ટરે છોકરાને તપાસીને કહ્યું કે એના બે આંગળાને એટલી બધી હદે ઈજા (ક્રશ ઈન્જરી) થઈ ચૂકી છે કે એના બે આંગળા કાપી નાખવા પડશે.
બીજો કોઈ રસ્તો જ ન રહેતા સર્જરી કરાવવી પડી. નાનકડો બાળક સર્જરી પછી ભાનમાં આવ્યો. ખાટલાની બાજુમાં બેઠેલા પોતાના પિતા સામે જોઈને બોલ્યો, પપ્પા ! તમારી નવી કારને બગાડવા માટે સૉરી હોં ! આપણે મારી પિગી બૅન્કમાંથી પૈસા લઈને એ સરખી કરાવી લઈશું, પણ હૈં પપ્પા ! મારી આ કપાયેલી આંગળીઓ ફરીથી ક્યારે ઊગશે ?”
બાળકે સહજ રીતે પૂછેલા આ નિર્દોષ સવાલનો એ માણસ સામનો ન કરી શક્યો. રડતો રડતો એ ઘરે પહોંચ્યો. કાર પાસે જઈને પોતાના દીકરાએ પથ્થર વડે જે જગ્યાએ લીટા કર્યા હતા એ જોયું. જોતાં જ એ ઢગલો થઈ ગયો. ગડબડયા અક્ષરે એના દીકરાએ લખ્યું હતું, ડૅડી, આઇ લવ યુ ! પપ્પા, હું તમને ખૂબ ચાહું છું !)'
-----------------------------
૫.ભૂરા ફૂલો!
સવારની રસોઈ પતાવી જલદીથી ઑફિસે જવાની ઉતાવળ સાથે એક સ્ત્રી પોતાના રસોડામાં કામ કરી રહી હતી. મોટા દીકરાને સ્કૂલબસમાં બેસાડી એણે કૂકર મૂક્યું. બે-ચા૨ સીટીઓ વાગ્યા પછી એ કૂકર ઉતારીને ફરવા ગઈ. બરાબર એ જ વખતે નર્સરી સ્કૂલમાંથી છૂટીને પાછી આવેલી એની નાની દીકરી એની પાછળ ઊભી રહી ગયેલી એની એને ખબર નહોતી. એટલે કૂકર સાથે ફરતાં વેંત એ એની જોડે અથડાઈ પડી. મા-દીકરી બંને પડતાં પડતાં બચી ગયાં.
અલી ચાંપલી ! અહીંયા કેમ ઊભી રહી ગઈ છો ? જોતી નથી હું રસોઈ કરું છું તે ? હમણાં આપણે બંને દાઝી જાત !' ચાલ, ભાગ અહીંથી ! એણે પોતાની દીકરીને રીતસર તતડાવી જ નાખી.
માતાના ગુસ્સાથી ડઘાઈને બેબાકળી થઈ ગયેલી એ છોકરી કંઈ બોલ્યા વિના આંખોમાં આવી ગયેલા પાણી સાથે દોડીને રસોડામાંથી બહાર જતી રહી.
રસોઈ પતાવી, જમીને, ઝડપથી તૈયાર થઈ એ સ્ત્રી ઑફિસે જવા નીકળી ત્યારે એની નાની દીકરી સૂઈ ગઈ હતી. એ ઊઠે ત્યારે જમાડી દેવાની સૂચના એણે જતાં પહેલાં કામવાળીને આપી દીધી.
ઑફિસની લૉબીના એક વળાંક પાસે એ સ્ત્રી અન્ય એક મહિલા કર્મચારી સાથે અથડાઈ પડી. સહજ ઔપચારિકતાથી બંને સ્ત્રીઓએ ‘ઓહ, મને માફ કરજો. હું ખૂબ દિલગીર છું.
આઇ એમ વેરી સૉરી !' એવું એવું તો ઘણું બધું કહીને એક બીજાની માફી માગી.
સાંજે પાંચેક વાગ્યે એના મોટા દીકરાનો ફોન આવ્યો. એણે કહ્યું કે, 'મમ્મી, નાનીબહેન આજે જમી નથી. બપોરે એ રડતાં રડતાં જ સૂઈ ગઈ હતી. સવારે એ તારા માટે બગીચાના ઘાસમાંથી વીણીને સરસ મજાના ભૂરા રંગનાં ફૂલો લાવી હતી. તને અચાનક જ સરપ્રાઇઝ આપવા એ તારી પાછળ સંતાઈને ઊભી રહેલી, પરંતુ એ કહેતી હતી કે તેં તો એને બરાબર તતડાવી નાખી હતી. હવે તો તું આવીશ પછી જ એ જમશે!'
એટલું કહી એ છોકરાએ ફોન મૂકી દીધો.
ફોન પરની વાત સાંભળ્યા પછી એ સ્ત્રીનું મગજ બરાબર ચકરાવે ચડયું. એને વિચાર આવ્યો કે, ઑફિસના અને પોતાના કામ માટે એ પોતાના કુટુંબની કેટલી હદે અવહેલના કરતી હતી ? અને એ જ ઑફિસને તો પોતાના કર્મચારીઓની જરા પણ પડી નહોતી ! એક જાય એટલે તરત જ એની જગ્યાએ બીજી વ્યક્તિ હાજર થઈ જ ગઈ હોય ! જ્યારે ઘરમાં ? ઘરની એક વ્યક્તિ જાય તો એની જગ્યા ક્યારેય પૂરાતી નથી. સવારે એક અજાણી મહિલા ભટકાઈ તો પોતે કેટલા સરસ શબ્દોમાં એની માફી માગી હતી, પરંતુ મા માટે વહાલથી બગીચાના ઘાસમાંથી ફૂલો વીણી લાવેલી પોતાની દીકરી સાથે પોતાનો વ્યવહાર કેવો ખરાબ હતો ? એને પોતાની જાત માટે શરમ આવવા માંડી. હવે તો ક્યારે ઑફિસનું કામ પતે અને ક્યારે પોતે પોતાની દીકરીની પાસે જઈ શકે એવી એને તાલાવેલી થઈ આવી. પરંતુ કમનસીબે એ જ દિવસે એની ઑફિસમાં અગત્યની મિટિંગ હતી, જેમાં દરેક વ્યક્તિએ ફરજિયાત રાતના નવ વાગ્યા સુધી રોકાવું પડ્યું. સ્ત્રી છેક ૯.૩૦ વાગ્યે ઘરે પહોંચી ત્યારે એની દીકરી થાકીને સૂઈ ગઈ હતી.
પસ્તાવાથી પીડાઈ રહેલી એ સ્ત્રી પોતાની દીકરીના ખાટલાની બાજુમાં બેસી ગઈ. એણે જોયું તો દીકરીના ગાલ પર સુકાઈ ગયેલાં આંસુ હજુ દેખાતાં હતાં. કદાચ રડતાં રડતાં જ એ સૂઈ ગઈ હશે એવું અનુમાન કરતાં જ એ સ્ત્રીનું હૈયું ભરાઈ આવ્યું. સૂતેલી દીકરીના ગાલ ૫૨ ચૂમી લેતા જ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ધીમા અવાજે એ બોલી. મને માફ કરજે દીકરી ! કદાચ અમે બધા કહેવાતા મોટા તમારા જેવા નાનકડાં બાળકોના પ્રેમને સમજવામાં ખૂબ કાચા છીએ !'
માતાનો રડવાનો અવાજ સાંભળી એ દીકરી જાગી ગઈ. માના ગાલ પર હાથ ફેરવી એની આંખો લૂછતાં એ બોલી, પ્લીઝ મૉમ ! રડીશ નહીં હો ! તું મારી ખૂબ વહાલી મૉમ છો. આઈ લવ યુ !'
બાળકીનાં આવાં વાક્યોથી પેલી સ્ત્રીના બધા જ બંધ જાણે કે એક સામટા જ ખૂલી ગયા. દીકરીને વહાલથી ગળે વળગાડી એ હળવી થઈ ગઈ ત્યાં સુધી રડી. પછી બોલી, “બેટા ! તેં આજે મારા માટે ફૂલ વીણેલાં ?”
હા મૉમ ! આપણા બગીચામાં પેલી વાડ છે ને, છેક ત્યાંથી વીણેલાં ! તને એ ખૂબ ગમશે મૉમ. મેં તારા માટે રાખેલાં જ છે !' એટલું કહી એ છોકરી ઊભી થઈ. રસોડામાં જઈ એ સવારના ચીમળાઈ ગયેલાં ફૂલો લઈને આવી અને એની માને આપ્યાં.
દીકરીની પાસેથી એ કરમાઈ ગયેલાં ફૂલો લઈ, જાણે કે એ દુનિયાનો સૌથી સુંદર ગુલદસ્તો હોય એમ પોતાની છાતી સાથે લગાડી, આંખો બંધ કરીને એ સ્ત્રી બોલી, ઓ બેટા ! તારો ખૂબ ખૂબ આભાર ! આ સુંદર ફૂલો મને ખૂબ જ ગમ્યાં, દીકરી !'
એણે આંખ ખોલીને દીકરી સામે જોયું. પછી અચાનક બોલી, “અરે હા બેટા ! તને ક્યાંથી ખબર પડી કે મને ભૂરાં ફૂલો જ ખૂબ ગમે છે ?' દીકરી માને ભેટી પડી.
અજાણ્યા લોકો સાથે અત્યંત નમ્રતા અને શિષ્ટાચારથી વાત કરતા આપણે સૌ, આપણા પોતાના જ માણસો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ એ જોઈએ છીએ ક્યારેય ? ક્યારેક એ પણ જોવા જેવું તો ખરું જ !
--------------------------------------