Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

નિર્દોષ બાળકો-innocent children

 નિર્દોષ બાળકો- innocent children 

આજના સમયમાં માણસ એટલો બધો નિર્બળ બની ગયો છે કે નાની અમથી વાત મા પણ વર્ષો જૂના સંબંધો પળ વાર માં તોડી નાખે છે,જે સબંધો ને બનાવતા વર્ષો વીત્યાં એ પળવાર મા તૂટી જાય છે.અને ત્યાર બાદ કોર્ટ કચેરી, પોલિસ કેશ,મારામારી વગેરે પર ઉતરી આવે છે.પણ એ સમયે બે ઘડી નાના બાળક ની જેમ વિચાર કરી એ વાત ભૂલી જાય તો નફરત નામ નો કીડો હંમેશા માટે નીકળી જાય અને પ્રેમ પૂર્વક ના સબંધો હંમેશા માટે બની રહે..........તો પ્રસ્તુત છે એક વાર્તા.....




      વર્ષો પહેલા ની વાત છે, મુકેશભાઈ ની બાજુમાં હિતેશભાઈ પંડ્યા અને તેમના પત્ની સ્વાતિબેન બે બાળકો રિદ્ધિ અને આનંદ  સાથે રહેતા હતા. ઉપરના ફ્લેટમાં કાપડના જથ્થાબંધ વેપારી ભરતભાઈ તેમના પત્ની પૂજાબહેન અને તેમના બે બાળકો પાલવ અને મિંકુ સાથે રહેતા હતા. આ ચારે બાળકો છ થી દસ વર્ષની ઉંમરના હતા. ફ્લેટની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં આ ચારેય બાળકો રમીને તોફાન કર્યા કરતા. ફ્લેટમાં રહેનારા બીજા પરિવારના છોકરા હજુ નાના હતા. બધાને અંદરો અંદર ખુબજ સંપ સારો હતો, અને કોઈના પણ સારા અથવા નરસા પ્રસંગે એકબીજાને હંમેશા મદદરૂપ થતા હતા.



       ભરતભાઈ ને ઘરે કંઈ સારું બન્યું હોય તે મુકેશભાઈ ને ઘરે ચાખવા માટે આપે તો વળી બાજુવાળા હિતેશભાઈ ના કરે કંઈક નવી વાનગી બની હોય તો બધાને તેનો લાભ જરૂર મળતો.
     ઉતરાયણ,દિવાળી, ક્રિસમસ,હોળી જેવા તમામ તહેવારો બધા સાથે ભેગા મળીને જ ઉજવણી કરતાં. વેકેશનના સમય માં બધીજ શાળાઓ બંધ હોય એટલે બાળકો ધરે જ હોય. આખો દિવસ સોસાયટી ની બહાર કમ્પાઉન્ડમાં રમ્યા કરે. સવારે દોડ ની રમત હોય તો સાંજે લંગડી રમતા હોય કે પછી ફૂટબોલ, પણ રમતાં રમતાં ચારેય બાળકો ક્યારે લડવા માંડે તે કહી શકાય નહીં!
        રજાઓના દિવસોમાં રવિવારની સવાર હતી બધા પરિવાર ના સભ્યો પણ ઘરે હતા. છોકરાઓ બહાર લંગડી લંગડી રમી રહ્યા હતા. લંગડી કરતા કરતા રિદ્ધિએ પાલવને 'આઉટ થઈ ગઈ' 'આઉટ થઈ ગઈ' ની બૂમાબૂમ મચાવી દીધી. પાલવ નોટ આઉટની બૂમો પાડવા લાગી સામે પક્ષે પાલવનો ભાઈ મિંકું એ તેનો જ પક્ષ લઈને 'નોટ આઉટ નોટ આઉટ'ની બૂમ પાડવા લાગ્યો. આમ કરતા કરતા વાત ખૂબ જ આગળ વધી ગઈ. એકબીજાને ધક્કા મૂકી અને મારા મારી ઉપર સામસામે ઉતરી આવ્યા.
       આમ આ ચાલી રહેલા વિવાદમાં પાલવ એ રિદ્ધિ ને ધક્કો મારી દીધો.રિદ્ધિ પડી ગઈ અને તેને હાથમાં અને પગમાં છોલાઈ ગયું .આ જોઈને રિદ્ધિ ની મમ્મી સ્વાતિ બહેન દોડતા દોડતા બહાર આવી પાલવને ધમકાવવા લાગ્યા. તરત જ ફ્લેટમાંથી જોઈ રહેલા પાલવના મમ્મી પૂજા બહેન પણ બહાર આવી ગયા.પૂજા બહેને જોરથી સ્વાતિબેનને નખ મારી દીધા. તેનાથી પૂજાબેનના હાથમાંથી લોહી નીકળવા માંડ્યું.



         ફ્લેટમાંથી જોઈ રહેલા હિતેશભાઈ અને ભરતભાઈ પણ જોર જોરથી એકબીજાને ભાંડતા બહાર આવી ગયા હિતેષભાઇના હાથમાં હોકી હતી તો ભરતભાઈ ના હાથમાં બેટ આમ આવા હથિયારો સાથે ઉશ્કેરાટ ઉમેરાય પછી પૂછવું જ શું?
         ભરતભાઈ એ આવતા વેંત કોઈપણ જાણ્યા વગર હિતેશભાઈ ના પગ ઉપર બેટ મારી દીધું. તો સામે હિતેશભાઈએ ઉગામેલ હોકી સીધી ભરતભાઈ ના ખભા ઉપર આવી ગઈ. હિતેશભાઈ ના પગમાં વાગતા પડી ગયા અને પગમાંથી લોહી નીકળવા માંડ્યું. તેથી તેનાથી ઊભા રહેવાયું નહીં ને બાજુમાં પડી ગયા ભરતભાઈ ના જમણા ખભા ઉપર વાગતા જોરદાર ધડાકો થયો હાથમાં ફ્રેક્ચર થયું કે શું? તે આઘાત સાથે નીચે પડ્યા.
         આ બધું જોઈ બીજા બધા ફ્લેટના રહીશો બહાર દોડી આવ્યા માંડ માંડ સમજાવટથી બધાને છૂટા પાડ્યા હિતેશભાઈ અને ભરતભાઈને ભારે ઇજાઓ હોવાથી સારવાર માટે ઓર્થોપેડિક સર્જન પાસે લઈ જવા મુકેશભાઇ એ ગાડી કાઢી. બંનેના પત્ની પણ દવાખાને સારવાર માટે આવવા ગાડીમાં બેસી ગયા.

     ગાડીમાં પડ્યા પડ્યા બંને એકબીજાને જોર જોરથી ભાંડી રહ્યા હતા.
     હિતેશ્યા તને ચોડીસ નહીં સોસાયટીમાંથી કઢાવીને જ રહીશ ભરતભાઈ બરાડ્યા.
      ' ભરત્યા, તારી ઉપર પોલીસ કેસ ન ઠોકું તો કહેજે. જો ફ્રેક્ચર હશે તો જેલમાં મોકલ્યા વગર ના રહું.' હિતેશભાઈ પણ છોડે તેમ ન હતા.

મુકેશભાઈએ બન્નેને શાંત રહેવા જણાવ્યું 'વર્ષોથી સાથે સંપીને રહેતાં આ કુટુંબોને શું થઈ ગયું?' એ જ ખબર નહોતી પડતી.

મુકેશભાઈએ ઓર્થોપેડિક સર્જન ડો.વિજયને ફોન કરીને તત્કાલ બોલાવી લીધા હતા. બંનેના એક્સરે પાડતા હિતેશભાઈને જમણા પગે અને ભરતભાઈને ડાબા હાથના હાડકામાં ફ્રેકચર આવ્યું.
સદનસીબે હાડકાં છૂટા નહોતા પડ્યા, તેથી ડો.વિજયે પ્લાસ્ટર, દવાઓ અને દસ દિવસના સંપૂર્ણ આરામની સલાહ સાથે બંન્નેના પત્નીઓને નખથી અને મારમારીથી નાનીમોટી ઇજાઓ હતી. છતાં પાટા પિંડી કરીને જવા દીધા.
   ડૉ. વિજયના બીલના પૈસા કોણ ભરે? બંને એકબીજા ઉપર આક્ષેપબાજી કરીને ઠાગાઠયા કરી રહ્યા હતા. માંડ માંડ સમજાવટથી મુકેશભાઈએ કુલ બિલના બે ભાગ કરી બંને પાસે અડધા અડધા ચૂકવી દીધા.
  બહાર નીકળતા જ બંને દંપતીઓએ પોલીસ ફરિયાદ કરવા  પોલીસ સ્ટેશન ગાડી લેવા ધમાલ કરી. મુકેશભાઈએ બંને યુગલોને સમજાવ્યા. 'હાલ આટલી બધી ઇજા છે. આરામની જરૂર છે, ઘરે જઈ ભોજન કરી આરામ કરજો પછી સાંજે પોલીસ ફરિયાદ કરજો.'

ગાડીમાં પૂજાબેન બરાડ્યા 'જો સ્વાતિડી, તારા વરને જેલમાં ના ઘાલું તો મારૂ નામ નહીં.'

સામે સ્વાતિબેન ગુસ્સામાં બોલ્યા ‘પૂજાડી, તારા વરને પોલીસ પકડીને મેથીપાક આપશે ત્યારે ખબર પડશે.”

મુકેશભાઈ ગાડી ડ્રાઈવ કરતા વિચારી રહ્યો હતો, 'આ નાની બાબતે બંને કુટુંબોને કેટલા દુશ્મન બનાવી દીધા?

ઘેર પહોચતાવેંત બધા શોધવા માંડયા બાળકો ક્યાં છે? ત્યાં દૂર મુકેશભાઈની નજર ગઈ. નવા બંધાતા બંગલાની બહાર રેતીના ઢગલાનાં ચારે બાળકો શાંતિથી ઘર બનાવી રહ્યા હતા. સૌ ધીમેં પગલે ત્યાં પહોંચી ગયા જેને માટે આટલા મોટા ઝઘડા થયા હતા તે વિવાદ ભૂલીને કેટલા પ્રેમથી ધરધર રમી રહ્યા હતા? બધા વિચારમાં પડી ગયા.
બધાને રમતા જોઈ પૂજાબેન સામે જોઈને પાલવએ કહ્યું આંટી જોયું અમારું ઘર? તમે અહીં રહેવા આવશો?

શેનો ઝઘડો હતો મારા મારી કેમ કરી હતી તે પૂછવા આવેલા વડીલો આ બધું જોઈ શું બોલે?

ત્યાં તો નાનકડો આનંદ તેની કાલે ઘેલી ભાષામાં ભરતભાઈ સામે જોઈ બોલ્યો અંકલ અમારા આ નવા ઘેર આજે લાડુ બનાવવાના છે ખાવા આવશો ને?

 અને ....બાળકોની નિર્દોષતા અને માસૂમિયત ને જોઈ ચારેય જણા શરમાઈ ગયા ભારતભાઈ ધીમેથી બોલ્યા હા બેટા જરૂર આવીશ હો બધાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા મુકેશભાઈ ને પણ થયું કે હમ ભી અગર બચ્ચે હોતે ખાને કો મિલતે લડડું સાંજે પોલીસ ફરિયાદનું માંડી વાળી બધા મુકેશભાઈના ઘેર ટીવીમાં પિક્ચર જોવા આવી ગયા ગણતરી પૂર્વક મારામારી કરતા અને દાઢમાં રાખતા મોટેરાઓ પોલીસ,કોર્ટ,કચેરી વગેરે બધું ભૂલી જઈ નિર્દોષ બાળકોની જેમ વર્તે તો દુનિયાની કોર્ટો ના લાખો કેસોનો નિકાલ આપો આપ આવી જાય તેમ તમને નથી લાગતું??????