પ્રેમનો પગરવ 2 (Premano Pagarav)
1. પાકીટમાંનો ફોટો
એક ટ્રેનના ડબ્બામાં એક દિવસ માંડ ૩૦થી ૪૦ જણ મુસાફરી કરી રહ્યા હતા. એક સ્ટેશનથી એમાં ટી.સી. ટિકિટ ચેકર) ચડ્યા. ડબ્બામાં દાખલ થતાં જ એમના પગ સાથે કંઈક અથડાયું. એમણે જોયું તો કોઈકનું પાકીટ(વૉલેટ, ખિસ્સામાં પૈસા રાખવાનું પાકીટ) હતું. ખોલીને જોયું તો કોઈકનો ફોન નંબર લખેલી એક ચબરખી, ૫૦૦ રૂપિયાની નોટ અને ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો અંદર હતા. પાકીટ ઘણું જૂનું હતું. એના પર બીજી કોઈ નિશાની કે નામ કંઈ જ નહોતું.
માણસો સાવ ઓછા હતા એટલે ડબ્બાની વચ્ચોવચ ઊભા રહીને હાથમાં પાકીટ ઊંચું કરીને ટીસીએ પૂછ્યું, “આ પાકીટ કોનું છે ?'
એમના હાથમાં રહેલું પાકીટ જોઈને એક દાદા ઊભા થયા અને બોલ્યા, એ પાકીટ મારું છે. લાવો સાહેબ ! એ મને આપી દો !
એમ નહીં ! તમારે એ પુરવાર કરવું પડશે કે તમે જ આ પાકીટના માલિક છો. તો જ હું એ તમને આપી શકીશ. નહીંતર પછી મારે એ રેલવેમાં લૉસ્ટ પ્રૉપર્ટી ખાતે જમા કરાવવું પડશે !' ટી.સી.એ કહ્યું.
‘એમાં પ૦૦ રૂપિયાની નોટ અને ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો છે' દાદાએ પુરાવો રજૂ કરતા કહ્યું.
ટી.સી. હસવા માંડ્યા. એમણે કહ્યું, “ભાઈ ! આ તો ભારત દેશ છે. ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો તો કોઈ પણ પાકીટમાં મળી શકે. એવું જ ૫૦૦ રૂપિયાનું ગણાય. આ સાબિતી ન ગણાય ‘એમાં એક ચબરખીમાં ફલાણો ફોન નંબર લખેલો છે !' એટલું કહી દાદાએ એ નંબર બોલી બતાવ્યો.
“હા ! એ બરાબર કહેવાય. આ લો તમારું પાકીટ, પરંતુ એમાં તમારો ફોટો કે કંઈક અન્ય ઓળખાણ કેમ નથી રાખતા ?” પાકીટ પાછું આપતા ટી.સી..એ કહ્યું.
તમારી પાસે સમય હોય તો હું તમને વાત કરું કે મેં આમાં મારો ફોટો કેમ નથી રાખ્યો !' પાકીટ ખિસ્સામાં મૂકતાં દાદાએ કહ્યું.
ટી.સી.ને પણ હવે કોઈ કામ બાકી નહોતું. આગળના સ્ટેશને એમની ડ્યૂટી પૂરી થતી હતી. ડબ્બામાં માણસોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. એમણે કહ્યું, ‘તમતમારે વાત થવા દો ! હવે હું સાવ ફ્રી જ છું” એટલું કહીને એમણે દાદાની સામે બેઠક જમાવી, બીજા થોડાક માણસો પણ આજુબાજુથી ત્યાં આવી ગયા.
દાદાએ વાત શરૂ કરી, આ પાકીટ મને હું નિશાળમાં ભણતો હતો ત્યારે મારા પિતાજીએ ભેટમાં આપ્યું હતું. હવે એ ઉંમરે તો માતાપિતા જ આપણા ભગવાન હોય એટલે મેં આ પાકીટમાં મારા માતાપિતાનો ફોટો રાખ્યો હતો. દિવસો વીતતા ગયા. હું સોળ વરસનો થઈ ગયો ત્યારે મને સૌથી વધારે મારો પોતાનો ચહેરો જ ગમવા લાગ્યો હતો. દિવસમાં દસ વખત હું અરીસામાં જોતો અને વારંવાર મારા વાળ સરખા કરતો. હું મારા પોતાના ચહેરાના પ્રેમમાં પડી ગયો હતો એમ કહું તો પણ ચાલે ! બસ,
એ સમયે મેં મારાં માતાપિતાનો ફોટો આમાંથી કાઢીને મારો પોતાનો ફોટો લગાવી દીધો. મારા ગુચ્છાવાળા વાળ અને નવી નવી દાઢી-મૂછવાળો ચહેરો જોવા હું વારંવાર પાકીટ ખોલીને મારા ફોટા સામે જોઈ લેતો. આ પાકીટમાં ફરી એક વાર ફોટો બદલાયો. મારો ફોટો કાઢીને મેં મારી એ પછી હું કૉલેજમાં પહોંચ્યો. છેલ્લા વરસમાં હું પ્રેમમાં પડ્યો અને પ્રેમિકાનો ફોટો એમાં લગાવી દીધો. ચારથી પાંચ વરસ વીતી ગયાં. એ જ છોકરી સાથે મારું લગ્ન થયાં. એ પછી અમારે ત્યાં સંતાનનો જન્મ થયો. અમારો દીકરો ગુલાબના ગોટા જેવો સુંદર હતો. હવે અમે એના ફોટા જ વધારે પડાવતા અને અમારા ફોટા પણ એની સાથે જ આવે એવું કરતા. એ સાથે જ મારા આ પાકીટમાંનો ફોટો પણ ફરી એક વખત બદલાયો ! મારી પત્નીના ફોટાની જગ્યાએ હવે મારા દીકરાનો ફોટો લાગી ગયો !
વાત કરતા કરતા દાદા થોડીક વાર અટકી ગયા. અતીતમાં દૂર સુધી જોઈ શકતા હોય એમ શૂન્યમાં તાકી રહ્યા. પછી અચાનક બોલ્યા, મારાં માતાપિતાને ગુજરી ગયે વરસો વીતી ગયાં છે. મારી પત્ની પણ ગયા વરસે કૅન્સર થવાથી મને છોડીને ચાલી ગઈ. છેલ્લે જેનો ફોટો મેં આમાં લગાવેલો એ મારો દીકરો પણ એના કુટુંબને લઈને અલગ રહેવા જતો રહ્યો છે. હવે મારું પોતાનું કહી શકાય એવું કોઈ કરતાં કોઈ નથી રહ્યું. મારા પાકીટમાં હું જેમને મારા પોતાના ગણીને સ્થાન આપતો રહ્યો એ બધા તો એક પછી એક મને છોડીને જતા રહ્યા હતા ! હું સાવ કરતા સાવ એકલો પડી ગયો. હતો. બસ, એ પછી મેં ભગવાન શ્રીકૃષ્ણનો નાનકડો ફોટો આમાં લગાવ્યો છે. છેક હવે મને સમજાયું છે કે એ એક જ એવો સાથીદાર છે જે ક્યારેય મને છોડીને જવાનો નથી. એ તો હવે પછી હંમેશાં મારી જોડે જ રહેવાનો છે. મારા અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી એ મને છોડીને નહીં જાય એની તો મને ખાતરી જ છે ! દાદાના અવાજમાં ભીનાશ આવી ગઈ. આંખમાં આવી ગયેલાં આંસુને લૂછીને એ બોલ્યા, “જો મને પહેલેથી જ આવી ખબર હોત તો આખી જિંદગી હું એને જ પ્રેમ કરત ! હું હંમેશાં એ લોકોને જ ચાહતો રહ્યો જે મને છોડીને જતા રહેવાના હતા. ભગવાનને મેં જો પ્રથમથી જ સાથીદાર બનાવ્યો હોત તો આજે સાવ એકલા પડી જવાની વેદના તો ન સહન કરવી પડત !" દાદાએ વાત પૂરી કરી.
ડબ્બામાં સ્મશાનવત્ શાંતિ ફરી વળી. સ્ટેશન આવી પહોંચ્યું. બધા એક પછી એક નીચે ઊતર્યા. ટી.સી. નીચે ઊતરીને પ્લેટફૉર્મ પર આવેલા એક બુકસ્ટોલની બાજુમાં ઊભા રહ્યા. એ જ વખતે એમનું ધ્યાન ધીમેધીમે સાવ એકલા ચાલ્યા જતા પેલા દાદા પર પડ્યું. ટી.સી. ઘડીક વાર માટે એમને જતા જોઈ રહ્યા. ત્યાર બાદ બુકસ્ટોલ તરફ ફરીને ત્યાં બેઠેલા દુકાનદારને પોતાનું ખિસ્સામાં રાખવાનું પાકીટ બતાવ્યું. પછી પૂછ્યું, તમારી પાસે ભગવાન શ્રીકૃષ્ણનો નાનકડો ફોટો છે ખરો ? આ પાકીટમાં રાખી શકાય એવડો ?”
2. સ્વ-મૂલ્યાંકન
અગિયારેક વરસનો એક છોકરો પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને સિક્કાવાળો ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. છોકરાના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.
છોકરાએ કહ્યું, મૅડમ ! તમે મને તમારી લૉન કાપવાનું કામ આપી શકો ખરાં ?'
સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘નહીં ભાઈ ! લૉન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે.'
છોકરો બોલ્યો, મૅડમ ! અત્યારે તમારે ત્યાં જે કોઈ કામ કરતું હોય એના કરતાં અડધી કિંમતે હું લૉન કાપી આપીશ !'
સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ‘ના ભાઈ ! હાલ મારી લૉન કાપવાનું કામ જે કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી !'
છોકરાએ કહ્યું, “મૅમ ! લૉન કાપવાની જોડાજોડ હું તમારો રસ્તો પણ વાળી આપીશ અને એ પણ કોઈ વધારાના ચાર્જ વગર!'
પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ ! આભાર ! મારે હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી ! મારા રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે.’
આટલી વાતચીત પતાવીને ખુશખુશાલ ચહેરે એ બાળકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એક વાર આભાર માનીને એ બહાર જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ છોકરાના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી આવી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં, એની એ ખુમારી એને સ્પર્શી ગઈ હતી.
છોકરો પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, “છોકરા ! પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ ?”
પેલા છોકરાએ હસતાં હસતાં ના પાડી..
દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા ! હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો ! કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો ?' છોકરો હસતાં હસતાં બોલ્યો, ‘નહીં સર ! હું જ એ મૅડમને ત્યાં કામ
કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો ! જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે ! દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ છોકરાની સ્વ- મૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો !
3.મૂર્તિ
એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, “મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ?”
‘ના !’ શિલ્પીએ જવાબ આપ્યો, “આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ એ બીજી મૂર્તિ છેક છેલ્લી ઘડીએ થોડુંક નુકસાન થવાથી પડતી મૂકવી પડી છે.'
પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે ?'
એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે !! શિલ્પીએ કહ્યું.
પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે છેક એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, ‘તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ?'
પેલા વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર !' શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી. ! જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ ? ત્યાં વળી કોણ જાણવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે ?” શિલ્વીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને
બોલ્યો, ભાઈ ! બીજું કોઈ એ વાત જાણે કે નહીં એ તો મને નથી ખબર, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને ? વધું ! એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી
નિ:શબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો.
4. બિસ્કિટ્સનું પડીકું !
એક મોટા ઍરપૉર્ટની વેઇટિંગ લૉન્જમાં એક યુવતી બેઠી હતી. એની ફ્લાઇટને હજુ વાર હતી. કદાચ થોડા કલાક સુધી
એમ જ બેસવું પડે એવું પણ બની શકે એમ લાગતું હતું. સમય પસાર કરવા માટે એ યુવતીએ ઍરપૉર્ટના સ્ટોલ પરથી એક પુસ્તક અને સાથોસાથ બિસ્કિટનું એક પડીકું પણ લઈ લીધું, જેથી વાંચતાં વાંચતાં બિસ્કિટનો સ્વાદ પણ માણી શકાય. ઍરપૉર્ટના વીઆઇપી રૂમમાં સરસ મજાની લાંબી ખુરશીઓ શોધીને એ બેસી ગઈ. પગ લાંબા કરીને પડ્યાં પડ્યાં એણે પુસ્તક વાંચવાની શરૂઆત કરી. પોતાનું પર્સ બાજુમાં મૂક્યું. એ જ વખતે બાજુની ખુરશીમાં એક યુવાન આવીને બેઠો. એના
હાથમાં એક મૅગેઝિન હતું. લાંબા થઈને એણે પણ વાંચવાની
શરૂઆત કરી. પેલી યુવતીએ વાંચતાં વાંચતાં એક બિસ્કિટ ઉપાડ્યું.
એની નવાઈ વચ્ચે પેલા યુવાને પણ પૅકેટમાંથી એક બિસ્કિટ લીધું. એ યુવાનની આ હરકતથી યુવતીને સખત ગુસ્સો ચડ્યો.
એ કંઈ બોલી નહીં, પરંતુ મનમાં ને મનમાં બબડી, ‘કેવો નફ્ફટ છે ? બીજાના પૅકેટમાંથી બિસ્કિટ લેતાં પહેલાં પૂછતો
પણ નથી !' એણે ફરીથી એક બિસ્કિટ લીધું. પેલા યુવાને પણ એક બિસ્કિટ ઉપાડ્યું. હવે યુવતીને વધારે ગુસ્સો આવ્યો, પરંતુ એ પછી તો જાણે કે આ ક્રમ જ બની ગયો. પેલી યુવતી એક બિસ્કિટ લે અને તરત જ પેલો યુવાન પણ એક બિસ્કિટ ઉઠાવે ! પેલી યુવતીને અત્યંત ગુસ્સો ચડ્યો હતો, પરંતુ એ કંઈ બોલતી નહોતી.
પૅકેટમાં જ્યારે છેલ્લું બિસ્કિટ વધ્યું ત્યારે પેલી યુવતીએ વિચાર્યું કે, જોઈએ તો ખરા, હવે આ નફ્ફટ માણસ શું કરે છે ?”
પેલા યુવાને છેલ્લું બિસ્કિટ ઉપાડ્યું, બરાબર વચ્ચેથી એના બે ટુકડા કર્યા. એક ટુકડો પોતે લીધો અને બીજો એણે આ યુવતીને આપ્યો. હવે એ યુવતીથી ન રહેવાયું. એનાથી વધારે સહન થાય એમ નહોતું. એને લાગતું હતું કે પેલા યુવાને બેશરમીની બધી હદ વટાવી દીધી હતી, પરંતુ એણે નક્કી કર્યું કે ઝઘડો કરીને ભૂંડા લાગવા કરતાં પોતે જ ત્યાંથી જતા રહેવું. પોતાની ચોપડી, પર્સ તેમ જ અન્ય સામાન લઈને એ ઊભી થઈ ગઈ.
બરાબર એ જ વખતે એની ફ્લાઇટના પેસેન્જર્સને વિમાનમાં જવાનો આદેશ મળ્યો. સમગ્ર બનાવથી એ હજુ પણ ધૂંધવાતી હતી. જતાંજતાં એણે પાછળ જોયું તો પેલો યુવાન એની સામે જોઈને હસતો હતો, નફ્ફટ !' એવું મનમાં જ બોલીને એ પોતાની ફ્લાઇટમાં જવાના ગેઇટમાં દાખલ થઈ ગઈ. વિમાનમાં પોતાની સીટ પર બેઠા પછી એને બારીની બહારનું દૃશ્ય જોવા
માટે પોતાનાં ચશ્માંની જરૂર પડી. પર્સ ખોલીને ચશ્માં માટે એણે અંદર નજર
નાખી તો એની આંખો પહોળી થઈ ગઈ. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનું
પોતાનું બિસ્કિટનું પૅકેટ તો એમાં જ પડ્યું હતું. સાવ એમ જ ! તોડ્યા વિનાનું !
હવે એને પોતાની જાત પર અત્યંત શરમ વછૂટી. અત્યારે છેક એને ખ્યાલ આવ્યો કે પેલો યુવાન પોતાનામાંથી નહીં, પરંતુ પોતે જ અત્યાર સુધી એના પડીકામાંથી ખાઈ રહી હતી. પોતે અત્યાર સુધી ઊંધું સમજીને પેલા યુવાન પર ગુસ્સે થતી રહી હતી. અરે ! મનમાં ને મનમાં એને ગાળો પણ ભાંડી લીધી હતી. જ્યારે પેલો યુવાન તો ગુસ્સે પણ નહોતો થયો. એણે અણગમો પણ નહોતો દેખાડ્યો. છેલ્લું બિસ્કિટ પણ એણે તો અડધુંઅડધું કરીને ખાધું હતું. એટલા સરસ માણસને પોતે બેશરમ અને નફ્ફટ ગણી રહી હતી. હકીકતમાં તો પોતે જ કેટલી છીછરી
પુરવાર થઈ હતી ! એને ખૂબ જ પસ્તાવો થઈ આવ્યો. દોડીને પેલા યુવાનની માફી માગવાનું મન થઈ આવ્યું, પણ હવે શું થાય? ફ્લાઇટ ઊપડી ચૂકી હતી. સમય હાથમાંથી સરકી ગયો હતો. માફી માગવાનો સમય પણ !





