મિસાઈલ મેન : ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ
મિસાઈલ મેન : ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ બાયોગ્રાફી
(Missile Man : Dr.APJ Abdul Kalam Biography)
પૂરું નામ :- અવુલ પાકિર જૈનુલાબ્દીન
જન્મ :- 15 ઓક્ટોબર 1931
જન્મસ્થળ:- રામેશ્વરમ, તમિલનાડુ, ભારત
અવસાન :- 27 જુલાઇ 2015 ના રોજ
કારકિર્દી :- વૈજ્ઞાનિક
રાષ્ટ્રીયતા :- ભારતીય
ડૉ. એ પી જે અબ્દુલ કલામ નું બાળપણ નું જીવન (Dr.APJ Abdul kalam Childhood Life)
ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા થયેલા અબ્દુલ કલામનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ-ગામ રામેશ્વરમાં તા. 15-10-1931ના રોજ એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબમાં થયો હતો. તેમનું પૂરું નામ અવુલ પકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. પિતા જૈનુલાબ્દીન અને માતા આશિયામ્માનું તેઓ પાંચમું સંતાન હતા. એમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. એમના પિતા જૈનુલાબ્દીને વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું ન હતું કે ન તો તેમની પાસે ધન હતું છતાં તેઓ જન્મજાત,સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદારતા ધરાવતા હતા. એમના માતા-પિતા ઊંચા અને દેખાવડા હતા જ્યારે અબ્દુલ કલામ ઓછી ઊંચાઇ ધરાવતા હતા.
અબ્દુલ કલામના મોટાભાઇ એ.પી.જે.એમ. મરાઇ કાયર, મુસ્તફા કલામ, નાના ભાઇ કાસિમ મહમ્મદ તથા બહેન જોહરા. મુસ્તફા કલામની રેલવે સ્ટેશન પર પરચૂરણની દુકાન હતી. નાના ભાઇ કાસિમ મહમ્મદની રામેશ્વરમાં શંખ અને છીપોથી બનેલી વિવિધ વસ્તુઓની દુકાન હતી. કલામ પણ કયારેક કયારેક દુકાનમાં બેસી વસ્તુઓ વેચતા.
એમના ઘરમાં રોજ ઘણાં બધા બહારના લોકો એમની સાથે જમતા હતા. તેઓ ઓગણીસમી સદીની મધ્યમાં બંધાયેલ એમના પૂર્વજોના ઘરમાં રહેતા હતા. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ ચુના તથા ઇંટોનું બનેલ વિશાળ અને પાકું મકાન હતું. એમના માતા-પિતા ચુસ્ત સાદાઇમાં માનતા હોવાથી બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા હતા. અલબત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. કલામનું બાળપણ ભૌતિક અને આંવેગિક રીતે ખૂબ સલામત રીતે વિત્યું હતું.
સામાન્ય રીતે તેઓ ભોજન એમના માતા સાથે રસોડાની જમીન પર બેસીને લેતા. એમની માતા એક કેળના પાંદડામાં ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલા તીખા વિવિધ અથાણા અને નારિયેળની તાજી ચટણી પીરસતાં.
એમના પિતા સવારે ચાર વાગે ઉઠી જતાં. ભળભાંખળું થાય તે પહેલા તે નમાજ કરતા. નમાજ પછી એમના ઘરથી ચાર માઇલ દૂર આવેલ એમની માલિકીના, નારિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નારિયેળ બાંધીને લઇ આવતા. ત્યારપછી જ તેઓ નાસ્તો કરતા આ નિયમ તેમણે છ દાયકા સુધી ચાલુ રાખ્યો હતો. કલામે પણ સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના જગતમાં એમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો.
રામેશ્વરમનું પ્રખ્યાત મંદિર એમના ઘરથી દસ મિનિટના અંતરે હતું. એમનો વિસ્તાર મહદ્અંશે મુસ્લિમ કુટુંબોનો હતો પરંતુ ત્યાં થોડા હિન્દુ કુટુંબો પણ વસતા હતા અને બધા ખૂબ હળીમળીને રહેતા હતા. ભાઇચારાના આ ગુણ તેમને બાળપણથી જ પ્રાપ્ત થયાં હતાં. એમના વિસ્તારમાં એક જૂની મસ્જિદ હતી. એમના પિતા રોજ એ મસ્જિદમાં એમને નમાજ માટે લઇ જતાં. એમના પિતા જ્યારે નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતાં. ઘણાં તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતાં અને પ્રાર્થના કરતા. આ પાણી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું જે લોકો આ પાણીથી સાજા થઈ જતાં તે પછી એમના પિતાની કૃતજ્ઞતા વ્યકત કરવા આવતા. એમના પિતા એમને કહેતા કે, આભાર મારો નહીં પણ પરવરદિગાર, અલ્લાહનો માનો! આવા ઉદાત્ત સંસ્કારી પિતાનું તેઓ સંતાન હતા. મોરના ઈંડાને કાંઈ ચીતરવા ન પડે' એ કહેવત પ્રમાણે આ બધા જ સંસ્કારો કલામમાં નાનપણથી જ આવ્યા હતા.
કલામના બાળપણના મિત્ર જે પાછળથી તેમના બનેવી બન્યા તે હતા; અહમદ જલાલુદીન, જલાલુદ્દીન અબ્દુલ કલામ કરતા પંદર વર્ષ મોટા હતા છતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેઓ તેમને 'આઝાદ' કહીને બોલાવતા. બંને સાંજે દૂર સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને કલામ મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. તેઓનું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ થતું. કલામ મુસ્લિમ હોવાછતાં રામેશ્વરમાં આવતા શ્રદ્ધાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરતા એ જ ભાવથી તેઓ પણ પ્રદક્ષિણા કરતાં અને તેઓ કહે છે કે.. અમારાં મન અને શરીરમાં અદૃશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા. જલાલુદીન બહુ ભણેલા ન હતા તેમનાં તેઓ કલામને અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળથવા પ્રોત્સાહિત કરતા અને કલામની સળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. જલાલુદ્દીન હંમેશા કલામની સાથે શિક્ષિત લોકો વિશે, વૈજ્ઞાનિક સંશોધનો વિશે, તત્કાલીન સાહિત્ય વિશે અને મેડિકલ વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાતો કરતા. કલામને તેમણે સંકુચિત જગતની પેલે પારના ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ” વિશે જાગૃત કર્યાં.
કલામની કિશોરાવસ્થાને પ્રબળ રીતે પ્રભાવિત કરનાર બીજી વ્યક્તિ હતા, તેમના પિતરાઇ ભાઇ સમશુદ્દીન. તે રામેશ્વરમમાં વર્તમાનપત્રોના મુખ્ય વિક્રેતા હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. રામેશ્વરમ્ સ્ટેશને જે ટ્રેન થોભતી તે બંધ થઇ ગઇ. છાપા પણ એ જ ટ્રેનમાં આવતા. જ્યારે રામેશ્વરમ સ્ટેશન આવે ત્યારે ટ્રેનમાંથી છાપાના બંડલો ફૂંકવામાં આવતા. અબ્દુલ કલામે પોતાના પિતરાઈ ભાઈને આ બંડલો પકડવામાં મદદ કરી હતી. સાંજે શાળાએથી આવીને આ ન્યુઝ પેપરના બાકી નાણાં લેવા પણ જતા હતા. તે સમયે કલામ પ્રથમવાર પૈસા કમાયા હતા.
અબ્દુલ કલામને વારસામાં પિતા પાસેથી શિસ્ત અને પ્રમાણિકતા મળ્યા હતા તથા માતા પાસેથી ભલાઇમાં વિશ્વાસ અને ઊંડી કરૂણા મળ્યા હતા. જલાલુદ્દીન તથા સમશુરીન સાથે જે સમય ગાળ્યો હતો તેણે અબ્દુલ કલામના બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો હતો.
અબ્દુલ કલામના બાળપણમાં ત્રણ ગાઢ મિત્રો હતા. રામાનંદ સ્વામી, અરવિંદન અને શિવપ્રકાશન. બા બન્ને છોકરાઓ હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા. પરંતુ તેમના વચ્ચે કોઈ ધાર્મિક ભેદભાવ ન હતો. રામાનંદ શાસ્ત્રીના પિતા પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી રામેશ્વરમ્ મંદિરના મુખ્ય પૂજારી હતા. કલામના પિતા અને પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી પણ ખાસ મિત્રો હતા.
ડૉ.કલામ નો અભ્યાસ (Dr.Kalam Education)
ડૉ .એપીજે અબ્દુલ કલામને મળેલા પારિતોષિક અને સન્માન(Awards and honors received by Dr. APJ Abdul Kalam)
અબ્દુલ કલામ એ ભારતના નામાંકિત વૈજ્ઞાનિક હતા. તેમને 40 યુનિવર્સિટીઓએ પીએચ. ડી. ની માનદ ડિગ્રીઓ આપી હતી. તેમને ઇ.સ. 1981માં ભારતનો ‘પદ્મ ભૂષણ એવોર્ડ’, ઈ.સ. 1990માં ‘પદ્મવિભૂષણ એવોર્ડ' તથા ઇ.સ. 1997માં ભારતનું સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ઘણીબધી વ્યાવસાયિક સંસ્થાઓ નથી એવોર્ડ અને ફેલો પ્રાપ્ત થયાં હતાં.
અબ્દુલ કલામના પુસ્તકો(Books of Abdul Kalam)
અબ્દુલ કલામે નીચેના પુસ્તકો લખ્યાં છે :
1. Advantage India: From Challenge to Opportunity
2. Beyond 2020 : A Vision for Tomorrow's India
3. Building a New India
4. Children Ask Kalam
5. Envisioning an Empowered Nation
6. Family and the Nation
7. Forge Your Future
8. Governance For Growth in India
9. Guiding Souls
10. Ignited Minds
11. India 2020 A Vision for the New Millennium.
12. Indomitable Spirit
13. Inspiring Thoughts
14. Manifesto for Change
15. Mission India (A Bridged Version of India 2020)
16. My Journey (Book of Poems)
17. My Journey: Transforming Dreams into actions
18. Pathways to Greatness
19. Re-Ignited
20. Scientific Indian
21. Songs of Life
22. Spirit of India
23. Squaring the circle: Seven steps to Indian Renais- sance
24. Target 3 Billion
25. The Guiding Light: A Selections of Quotations from my Favourite Books.
26. The Life Tree
27. The Luminous Sparks (Poem)
28. The Righteous Life
29. Thoughts for Change: We can do it.
30. Transcendence My Spiritual Experience with Pramukh Swamiji
31. Turning Points
32. Wings of Fire
33. You are Born to blossom
34. You are Unique
અંતિમ જીવન
તા. 27 જુલાઈ, 2015ના રોજ અબ્દુલ કલામ આઇ.આઇ.એમ. શિલોંગના વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા અને ત્યાં જ મંચ ઉપર તેઓ પડી ગયા. ત્યાંથી તેમને એમ્બ્યુલન્સ મારફત બેથાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ ડૉકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. આ સમયે સાંજના 6:30 વાગ્યા હતા. ભારતના સૌથી પ્રિય વૈજ્ઞાનિક, રાજનેતા, સંત તથા સ્વપ્નદ્રષ્ટા, દેશના પ્રેરક આ ધરતી પરથી વિદાય લઇ ચૂકયા હતા. રાત્રે લગભગ 8 વાગ્યે ટી.વી.પર સમાચાર પ્રસારિત થયા અને સમગ્ર રાષ્ટ્ર ઊંડી શોકની લાગણીમાં ડૂબી ગયું. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.
27 જુલાઈ, 2015ના રોજ જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પક્ષ, રાજકારણ, રાજ્ય અને કાયદા, જાતિ અને સમુદાય, વિસ્તાર અને ધર્મથી પર થઇને આખો દેશ આ વિરલ વિભૂતિને શ્રદ્ધાંજલિ આપવા આગળ આવ્યો હતો. બીજા દિવસે તેમના અંતિમ દર્શન કરવા માટે 10, રાજાજી માર્ગ, નવી દિલ્હીના માર્ગ પર લોકો લાંબી લાંબી લાઇનોમાં અડધી રાત સુધી ઊભા રહ્યા હતા. દસ લાખથી વધુ લોકો તેમની અંત્યેષ્ટિમાં ભાગ લેવા માટે રામેશ્વરમ્ પહોંચ્યા હતા. એમાં ગરીબો અને ગામડાના લોકો પણ હતા કે જેમની પાસે પરિવહનની કોઇ સુવિધા ન હતી. તેથી તેઓ પગપાળા ત્યાં આવ્યા હતા. પરોપકારી સંસ્થાઓએ અંત્યેષ્ટિમાં આવનારાઓ મફત જમવાની, પરિવહનની તથા રોકાવા માટેની વ્યવસ્થા કરી હતી. એક કરોડ લોકોના હૃદય પ્રાર્થનાઓની સાથે ધડકી રહ્યા હતા. મહાત્મા ગાંધીજી પછી બીજા કોઇ એવા નેતા નથી થયા જેણે આપણા હૃદય અને મનને એવી રીતે જકડી રાખ્યા હોય, પ્રેરિત કર્યા હોય જેવી રીતે અબ્દુલ કલામે કર્યા હતા. જેના નામ પર સડકો, ટાપુ, યુનિવર્સિટી અને સંસ્થાઓ, પુરસ્કાર વગેરેનું નામકરણ કરવામાં આવ્યું.
એમણે જીવનની શરૂઆત ગરીબીમાંથી કરી હતી એ વાત એટલી આશ્ચર્યજનક નથી એનાથી વધારે લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આટલી બધી સફળતા પ્રાપ્ત કર્યાં પછી અંતમાં એમની પાસે ગરીબો જેટલી જ સંપતિ હતી! દરેક વ્યક્તિ એમની ભૌતિક સંપત્તિની અંતિમ યાદી જોઈને વિનમ્ર થઇ જાય છે. એક કાંડા ઘડિયાળ, છ શર્ટ, ચાર પેન્ટ, ત્રણ સૂટ, એક જોડી બુટ અને આશરે 2500 પુસ્તકો. એમના અંતિમ સામાનની યાદી જોઇને કોઇપણ વ્યક્તિ સન્માનથી માથું નમાવ્યા વગર નથી રહી શકતો. એમની પાસે મૂળભૂત ઘરની જરૂરિયાતોની ચીજવસ્તુઓ પણ ન હતી. એટલું જ નહીં તેમણે પોતાના સગા- સંબંધીઓ માટે કોઇ વસિયત પણ લખી ન હતી.
તેઓ એક શિક્ષક હતા. જે આજીવન વિદ્યાર્થી બની રહ્યા હતા અબ્દુલ કલામ દેશના સૌથી આદર્શ ભારતીય હતા. એમણે પોતાના છેલ્લા શ્વાસ પણ દેશની સેવા કરતા લીધા હતા. જેને તેઓ સૌથી વધુ પ્રેમ કરતા હતા. મૃત્યુના સમયે પણ એ જ કામ તેઓ કરી રહ્યા હતા જે તેમને સૌથી પ્રિય હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરવું, યુવાનોમાં પ્રેરણાની ચિનગારી પેદા કરવી એમનું જીવન પ્રેરણાનું બીજું નામ છે.